ગેરકાયદે ઇમિગ્રન્ટની આડેધડ ધરપકડ કરવા સામે ફેડરલ જજનો સ્ટે

July 13, 2025

- લોસ એન્જેલસ સહિત સાત કાઉન્ટીમાં આડેધડ ધરપકડ બંધ 

કેલિફોર્નિયા : યુએસ ડિસ્ટ્રિક્ટ ફેડરલ જજે શુક્રવારે લોસ એન્જેલસ સહિત કેલિફોર્નિયાની સાત કાઉન્ટીઓમાં ઇમિગ્રન્ટસને અટકાવી તેમની આડેધડ ધરપકડ ન કરવાનો ટ્રમ્પ વહીવટીતંત્રને આદેશ આપ્યો હતો. ઇમિગ્રેશન રેડ પાડવા માટે અપનાવેલી ગેરકાયદે યુક્તિઓને અટકાવવા માટે અટક કરવામાં આવેલાં ત્રણ ઇમિગ્રન્ટ્સ, બે અમેરિકન નાગરિકો અને ઇમિગ્રન્ટ એડવોકસી જૂથો દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. 
ડિસ્ટ્રિક્ટ જજ મામે ઇ. ફ્રિમપોન્ગે એક અલગ આદેશમાં ફેડરલ સરકારના એટર્નીને લોસ એન્જેલસ ઇમિગ્રેશન ડિટેન્શન ફેસિલિટીની મુલાકાત લેવા પર બંધી ફરમાવી હતી. એડવોકસી જૂથોએ દલીલ કરી કે સરકાર બંધારણના ચોથા અને પાંચમા સુધારાનો ભંગ કરી કાર્યવાહી કરે છે તેને પગલે ફ્રિમપોન્ગે આ આદેશ આપ્યો હતો. 
દરમ્યાન યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના નાયબ મંત્રી ટ્રિસિયા મેકલાફલિને જણાવ્યું હતું કે કાયદાનો અમલ કરનારી એજન્સીઓ દ્વારા વ્યક્તિઓને તેમની ચામડીના રંગને આધારે લક્ષ્ય બનાવવામાંઆવે છે તેવા કોઇપણ દાવા ઘૃણાસ્પદ અને સદંતર ખોટાં છે. અધિકારીઓ ધરપકડ કરતાં પહેલાં યોગ્ય કાયદેસર તપાસ કરે છે. 


અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયનના જણાવ્યા અનુસાર તાજેતરમાં કરવામાં આવેલી ધરપકડો આડેધડ ધરપકડના ક્વોટાને પુરો કરવાના ઉદ્દેશથી કરાઇ હતી અને તે વર્ણ કે વંશીયતાના આધારે કરાઇ હતી. યુનિયનના એટર્ની મોહમ્મદ તાજસારે જણાવ્યું હતું કે એક અમેરિકન બ્રિઆન ગેવિડિયાન પર હુમલો કરવાનું કારણ તે લેટિનો હતો અને લેટિન અમેરિકન વિસ્તારમાં રહેતો હતો તે હતું. કાર વોશ સેન્ટરમાં માત્ર બે શ્વેત કર્મચારીઓ સિવાય દરેક જણની ઇમિગ્રેશન અધિકારીઓએ અટક કરી હતી. જો વર્ણ  ધરપકડનું કારણ ન હોય તો આમ કેમ બને. 


ઇમિગ્રન્ટ્સ ડિફેન્ડર્સ લો સેન્ટર અને અન્ય જૂથોના વકીલોએ જણાવ્યું હતું કે તેમને બી 18 નામથી ઓળખાતાં ડિટેન્શન સેન્ટરની મુલાકાત લેતાં અનેકવાર અટકાવવામાં આવ્યા હતા.સરકારી વકીલ સ્કેડઝીલેવસ્કીએ જણાવ્યું હતું કે દેખાવો દરમ્યાન અટકાયતીઓ અને કર્મચારીઓનું રક્ષણ કરવા માટે આમ કરવામાં આવ્યું હતું. એડવોકસી જૂથના વકીલે જણાવ્યું હતું કે જ્યારે દેખાવો થતાં નહોતાં એ દિવસે પણ તેમને ત્યાં જવા દેવામાં આવ્યા નહોતાં. આ સેન્ટરમાં અટકાયતીઓને પૂરતો ખોરાક અને પથારીની સગવડ અપાઇ નહોતી અને તેમને કોઇ વકીલનો સંપર્ક કર્યા વિના જ દેશ છોડવા સંમત થવા દસ્તાવેજો પર જબરદસ્તીથી સહી કરાવવામાં આવી હતી. 18 ટ્મોક્રેટિક રાજ્યોના એટર્ની જનરલ્સે પણ આ આદેશના ટેકામાં દાવા નોંધાવ્યા હતા. એપ્રિલ મહિનામાં જ યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશનના એજન્ટ્સને પૂર્વ કેલિફોર્નિયામાં વોરન્ટ વિના કોઇ ધરપકડ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.