લાલ સાગરમાં હુથી બળવાખોરોએ 1 અઠવાડિયામાં 2 જહાજ ડૂબાડ્યાં

July 13, 2025

દુનિયા સામે નવું સંકટ ઊભુ થઈ રહ્યું છે કારણ ઈરાન સમર્થક હુથી બળવાખોરોએ લાલ સાગરમાં કાર્ગો જહાજો ડૂબાડવાનું શરૂ કર્યુ છે. હુથી બળવાખોરો દ્વારા હુમલાનો ડર એટલો છે કે લાલ સાગરમાંથી પસાર થતા કાર્ગો જહાજોના ક્રૂ મેમ્બર પોતાને બચાવવા માટે ધાર્મિક ઓળખ જાહેર કરવી પડી રહી છે. કારણ કે છેલ્લા એક અઠવાડિયામાં હુથી હુમલા પછી લાલ સાગરમાં બે જહાજો ડૂબી ગયા છે. હુથીઓએ જાહેરાત કરી છે કે તે ઈઝરાયલી બંદર તરફ જતા દરેક કાર્ગો જહાજ પર હુમલો કરશે.
અહેવાલો અનુસાર, લાલ સાગરમાંથી પસાર થતા જહાજોના પબ્લિક ટ્રેકિંગ પ્રોફાઇલ પર એવા મેસેજ મોકલામાં આવી રહ્યા છે કે, 'જહાજ પરના બધા ક્રૂ મેમ્બર મુસ્લિમ છે. તેથી હુમલો ન કરો. આ ઉપરાંત આ જહાજનો ઈઝરાયલ સાથે કોઈ સંબંધ નથી, તેથી અમને સુરક્ષિત રીતે જવા દો.' મરીન ટ્રેકિંગ ડેટા પરથી જાણવા મળ્યું છે કે મોટાભાગના કાર્ગો જહાજો હુથી બળવાખોરોને મેસેજ મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે કોઈપણ સંજોગોમાં ઈઝરાયલી બંદર વિસ્તારમાં પ્રવેશ કરશે નહીં.
હુમલાઓથી બચવા માટે અપનાવવામાં આવી રહેલી વ્યૂહનીતિ એ સમજાવવા માટે પૂરતી છે કે લાલ સાગરમાં હુથી બળવાખોરો કેટલા ખતરનાક બની ગયા છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ હોવા છતાં, લાલ સાગર હજુ પણ સળગી રહ્યો છે. તે કાર્ગો જહાજો માટે એક ઉચ્ચ જોખમી ક્ષેત્ર બની ગયો છે. જો કે, નવેમ્બર 2023થી લાલ સાગરમાં હુથી દ્વારા હુમલાઓ થઈ રહ્યા છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં બે જહાજો પર હુમલો ગંભીર સંકટ તરફ ઈશારો કરી રહ્યો છે.


છઠ્ઠી જુલાઈના રોજ લાઈબેરિયન ધ્વજવાળા કાર્ગો જહાજ મેજિક સીઝ પર હુમલો કરવામાં આવ્યો હતો. તે ગ્રીક કંપની દ્વારા સંચાલિત હતું. આ જહાજ પર ડ્રોન અને રોકેટ ગ્રેનેડ જેવા હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા પછી 22 ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ કાર્ગો જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હતું.
નવીમી જુલાઈના રોજ એટરનિટી સી નામના જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા પછી 10 ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે 4 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે અને 11 ક્રૂ મેમ્બર હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે.