આખરે પાકિસ્તાનનું નમતું વલણ.... ભારતને સિંધુ જળ સંધિ બહાલ કરવા કર્યો આગ્રહ, જુઓ શું કરી દલીલ

July 01, 2025

પાકિસ્તાને સોમવારે (30મી જૂન) ભારતને સિંધુ જળ સંધિ ફરી શરુ કરવા અપીલ કરી છે. જેને ભારતે પહેલગામ આતંકી હુમલા બાદ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. હવે પાકિસ્તાનનું કહેવું છે કે, હેગ સ્થિત પરમેનન્ટ કોર્ટ ઑફ આર્બિટ્રેશન(PCA)ના તાજેતરના ચુકાદાથી જાણવા મળ્યું છે કે આ કરાર હજુ પણ માન્ય અને કાર્યક્ષમ છે. અહેવાલો અનુસાર, સિંધુ જળ સંધિની જોગવાઈઓ હેઠળ બે જળવિદ્યુત પ્રોજેક્ટ્સની ડિઝાઇનના કેટલાક પાસાઓ પર પાકિસ્તાને વાંધો ઊઠાવ્યા બાદ પીસીએમાં કાર્યવાહી શરુ કરવામાં આવી હતી, જેને ભારતે ક્યારેય માન્યતા આપી નથી. ભારતે આ નિર્ણયને સખત શબ્દોમાં નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે, 'પાકિસ્તાન સાથેના વિવાદ નિરાકરણ માટેના કહેવાતા માળખાને ક્યારેય માન્યતા આપી નથી.' પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે સોમવારે (30મી જૂન) જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, '27મી જૂનના રોજ પીસીઓ દ્વારા આપવામાં આવેલ પૂરક ચુકાદો "પાકિસ્તાનના વલણને ફરીથી સમર્થન આપે છે કે સિંધુ જળ સંધિ માન્ય અને કાર્યરત છે, અને ભારતને તેના સંદર્ભમાં એકપક્ષીય કાર્યવાહી કરવાનો કોઈ અધિકાર નથી." પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે સોમવારે (30મી જૂન) જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પીસીએનો પૂરક ચુકાદો પુષ્ટિ આપે છે કે સિંધુ જળ સંધિ માન્ય અને કાર્યક્ષમ છે. અમે ભારતને તાત્કાલિક સિંધુ જળ સંધિની સામાન્ય કામગીરી પુનઃસ્થાપિત કરવા અને સંધિની તેની જવાબદારીઓને સંપૂર્ણ અને પ્રામાણિકપણે પૂર્ણ કરવા અપીલ કરીએ છીએ.'