'તો બોરિયા બિસ્તરા બાંધી દ.આફ્રિકા જવા તૈયાર રહેજો..' મસ્કના ખુલ્લા પડકાર સામે ટ્રમ્પની ધમકી

July 01, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના માલિક ઈલોન મસ્કના સંબંધોમાં તિરાડ સતત વધી રહી છે. ઈલોન મસ્ક દ્વારા કરવામાં આવેલા 'બિગ બ્યૂટીફૂલ બિલ'ના કટાક્ષનો ટ્રમ્પે આકરો જવાબ આપ્યો છે. ટ્રમ્પે વિશ્વના સૌથી વધુ ધનિક મસ્કને ચીમકી આપતાં કહ્યું છે કે, અમેરિકન સરકારના સમર્થન વિના ટેસ્લાના સીઈઓ કંઈ જ નથી. જો સમર્થન ન મળે તો તેમણે બોરિયા-બિસ્તરા બાંધી સાઉથ આફ્રિકા જતાં રહેવાનો વારો આવે. ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતાં ટ્રમ્પે કહ્યું કે, ઈલોન મસ્કને અગાઉથી જ ખબર હતી કે, હું ઈવીને ફરિજ્યાત બનાવવાના નિર્ણયનો સખત વિરોધી છું. તેમ છતાં તેણે મને મજબૂત સમર્થન આપ્યું. તે હાસ્યાસ્પદ છે, તે હંમેશા મારા અભિયાનનો મુખ્ય ભાગ રહ્યો છે. ઈલેક્ટ્રિક કાર સારી છે. પરંતુ દરેકને ઈવી ખરીદવાની ફરજ પાડવી યોગ્ય નથી. ટ્રમ્પે આગળ મસ્ક પર આક્ષેપ મૂક્યો કે, અમેરિકાના ઈતિહાસમાં મસ્કે કોઈપણ વ્યક્તિ કરતાં સૌથી વધુ સરકારી સહાય મેળવી છે. ઈલોનને સૌથી વધુ સબસિડી મળી શકે છે. સબસિડી વિના ઈલોન (પાગળો) છે. તેણે પોતાના ધંધાના શટર પાડી પાછા સાઉથ આફ્રિકા ભેગા થવાનો વારો આવે. હવે કોઈ રોકેટ લોન્ચિંગ, સેટેલાઈટ, ઈલેક્ટ્રિક કાર ઉત્પાદન નહીં થાય, આપણે આપણા દેશની સંપત્તિને બચાવી પડશે. ટ્રમ્પે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ ઈફિશિયન્સી (DOGE)ને મસ્કની કંપનીને મળતી સબસિડી અને ફંડ વિશે તપાસ કરવા ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે, જ્યારે ટ્રમ્પ અને મસ્ક એકબીજાના ગાઢ મિત્ર હતાં. ત્યારે મસ્ક આ DOGEનો જ ભાગ હતાં. અગાઉ ઈલોન મસ્કે વ્હાઈટ હાઉસ દ્વારા 'કરમાંથી મુક્તિ, ખર્ચમાં ઘટાડો' અને ડિપોર્ટેશન માટેના ભંડોળમાં વધારો કરવા અંગે રજૂ કરાયેલા બિલનો વિરોધ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, ટ્રમ્પના આ બિલથી અમેરિકન સંસદના ઉપલા ગૃહ સેનેટમાં હોબાળો થયો હતો. ઈલોન મસ્કે પણ આ બિલથી નારાજગી વ્યક્ત કરતાં તેને "પાગલપનથી ભરેલો વિનાશક નિર્ણય" ગણાવ્યો હતો. મસ્કની આ ટીકા બાદ ટ્રમ્પે વળતા આક્ષેપ કરતાં આ પ્રતિક્રિયા આપી હોવાનું જાણવા મળ્યું છે.