નેપાળના પૂર્વ વડાપ્રધાન ઝલનાથના ઘરમાં તોડફોડ બાદ આગચંપી, પત્નીનું જીવતા ભૂંજાતા મોત

September 09, 2025

કાઠમંડુ- નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે રાજીનામું આપ્યા બાદ પણ કાઠમંડુની સ્થિતિ કાબૂમાં આવી નથી. આંદોલનકારી એક-પછી એક નેતાઓ, રાજકારણીઓને નિશાન બનાવી રહ્યા છે. GEN Z આંદોલનકારીઓએ પૂર્વ વડાપ્રધાન ઝલનાથ ખનલના ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી. બાદમાં ઘરને આગ ચાંપતા પત્ની જીવતા ભૂંજાયા હતા. તેમને ગંભીર ઈજા થતાં મોત થયુ હતું.  પૂર્વ ડેપ્યુટી સીએમ, નાણા મંત્રીને દોડાવી દોડાવીને માર્યા હતા.


પૂર્વ વડાપ્રધાન ઝલનાથ ખનાલની પત્ની રવિ લક્ષ્મી ચિત્રકારનુ મોત થયુ છે. આંદોલનકારોએ તેમને ઢોર માર માર્યો હતો. બાદમાં આગ ચાંપી હતી. આ ઘટનાના કારણે તેઓ ગંભીર રૂપે ઘવાયા હતા. રવિલક્ષ્મી પારિવારિક રૂપે નેવાર સમાજના હતા. જે નેપાળનો એક ધનિક સમુદાય છે.

આજે મોટી સંખ્યામાં યુવાનોએ નેપાળના માહિતી સંચાર મંત્રીના નિવાસ સ્થાનને આગ ચાંપી હતી. એવું કહેવાય છે કે, બાંગ્લાદેશની શેખ હસીનાની સરકારને તોડી પાડવા અપનાવવામાં આવેલી મોડસ ઓપરેન્ડી નેપાળમાં પણ અજમાવાઈ છે. નેપાળમાં મોટાભાગના વિસ્તારોમાં કરફ્યુ હોવા છતાં આંદોલનકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપનારા અને તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા માહિતી સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરૂંગના ખાનગી નિવાસસ્થાનને આગ ચાંપી હતી. આ આંદોલન સતત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલના ઘરે પણ આગ ચાંપી હતી. જ્યારે પૂર્વ ડેપ્યુટી પીએમ રઘુવીર મહાસેઠના જનકપુર સ્થિત ઘર પર ઉપદ્રવીઓએ પથ્થરમારો કર્યો હતો.