અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને પ્રોસ્ટેટ કેન્સર થયુ

May 19, 2025

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન ગંભીર પ્રકારના પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે, જે હવે હાડકાં સુધી ફેલાઈ ગયું છે. રવિવારે જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. 82 વર્ષીય બાઇડનને શુક્રવારે જ્યારે પેશાબ કરવામાં તકલીફ પડી અને આવા લક્ષણોની ફરિયાદ થઈ ત્યારે સમસ્યાની જાણ થઈ. તેમનો પરિવાર અને ડોકટરો હાલમાં શક્ય સારવાર વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે.

"જોકે આ રોગનું વધુ આક્રમક સ્વરૂપ છે, તે હોર્મોન-સંવેદનશીલ લાગે છે, જેના કારણે તેની અસરકારક સારવાર શક્ય બને છે," બાઇડનના કાર્યાલય તરફથી એક નિવેદનમાં જણાવાયું છે. નિષ્ણાતોના મતે, આવા કિસ્સાઓમાં, હોર્મોન થેરાપી, કીમોથેરાપી અને કેટલાક કિસ્સાઓમાં હાડકાને લક્ષિત સારવાર અસરકારક સાબિત થઈ શકે છે.

પેશાબની કેટલીક સમસ્યાઓથી પીડાતા જો બાઇડનને આ અઠવાડિયાની શરૂઆતમાં ડૉક્ટરની સલાહ લીધી હતી. નિયમિત તબીબી તપાસ દરમિયાન, તેમના પ્રોસ્ટેટમાં એક નાની ગાંઠ મળી આવી, જેના પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવી. શુક્રવારે, ડોકટરોએ પુષ્ટિ આપી કે બાઇડનને પ્રોસ્ટેટ કેન્સર છે, અને કેન્સરના કોષો હવે તેમના હાડકાંમાં ફેલાઈ ગયા છે.