ગાંધીનગર: કૂતરું કરડ્યાના 4 મહિના બાદ હડકવા ઉપડ્યો, નિવૃત IASની પુત્રીનું કરુણ મોત

January 18, 2026

ગાંધીનગર- ગાંધીનગરમાં રહેતા નિવૃત IAS અધિકારીના પરણિત પુત્રીનું કૂતરું કરડ્યા બાદ હડકવા ઉપડવાથી મોત થયું છે. મૃતક મહિલા ગાંધીનગરના જાણીતા શાળા પરિવાર સાથે જોડાયેલા હતા. શાળામાં જ ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડના 'બીગલ' બ્રીડના ડોગને રમાડી રહ્યા હતા તે દરિયામન તેણે બચકું ભર્યું હતું. ઘા સામાન્ય હોવાથી કોઈ સારવાર લેવામાં આવી ન હતી. જે બાદ ઘટનાના ચાર મહિના બાદ મહિલાને હડકવા ઉપડ્યો હતો. 15-17 દિવસની સારવાર બાદ મહિલાનું મોત થતાં શાળા અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

આજથી ચાર મહિના પહેલાની વાત છે, જ્યારે શાળા સાથે જોડાયેલી મહિલા સિક્યુરિટી ગાર્ડના સ્ટાફ પાસે રહેલા  'બીગલ' બ્રીડના ડોગ પંપાળી રહી હતી. ત્યારે અચાનક જ તેને મહિલાને બચકું ભરી લીધું હતું. પણ પાલતુ ડોગ હોવાથી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. જે બાદ ગત 17 ઓક્ટોબર 2025ના રોજ  'બીગલ' બ્રીડના ડોગને પણ હડકવા ઉપડ્યો હતો અને તેનું પણ મોત નીપજ્યું હતું. 

આ ઘટના બાદ શાળાના સંચાલકોએ પણ તમામ વાલીઓ અને સ્ટાફને મેસેજ કરી જાણ કરી હતી કે જો કોઈ વિદ્યાર્થી કે સ્ટાફનું કોઈ માણસ 'બીગલ' ડોગના સંપર્કમાં આવ્યું હોય તો તાત્કાલિક રસી મુકાવી દે, સ્કૂલ દ્વારા રેબીઝની રસી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઘટનાને ઘણા દિવસો વીતી ગયા હોવાથી મહિલાએ આ વાતને પણ ટાળી હતી. પરંતુ ગત ડિસેમ્બર મહિનામાં મહિલાની તબિયત અચાનક લથડી હતી. જેથી 31 ડિસેમ્બરના રોજ અમદાવાદના ભાટ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે રેબીઝના લક્ષણો જણાતા જરૂરી રિપોર્ટની તજવીજ હાથ ધરી હતી. જેમાં મહિલાને હડકવા જેને હાઇડ્રોફોબિયા તરીકે પણ ઓળખવામાં આવે છે તેની પુષ્ટિ થઈ હતી.