હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિયામાં કમબેક પર બ્રેક

September 01, 2026

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની રાહ જોઈ રહેલા ક્રિકેટ ફેન્સ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. બેંગલુરુ સ્થિત BCCI ના સેન્ટર ઓફ એક્સિલન્સ (CoE) ખાતે ટ્રેનિંગ દરમિયાન હાર્દિક પંડ્યાના પગમાંઈજા પહોંચી છે. પૂરી તીવ્રતા સાથે બોલિંગ અને ફિટનેસ પર કામ કરી રહેલા હાર્દિકને આ તકલીફ સામે આવ્યા બાદ તબીબી ટીમ દ્વારા હાલ પૂરતી બોલિંગ અટકાવી દેવાની સલાહ આપવામાં આવી છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરથી દિલ્હી ખાતે 3 મેચોની T20I સિરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝ માટે આ અઠવાડિયે જ ભારતીય ટીમની પસંદગી થવાની શક્યતા છે. જોકે, નવી ઈજાના કારણે હાર્દિક સિરીઝની શરૂઆત પહેલાં જરૂરી ફિટનેસ લેવલ પ્રાપ્ત કરી શકશે કે કેમ તે અંગે મોટુ સસ્પેન્સ ઊભુ થયુ છે. CoE ની મેડિકલ ટીમ તરફથી સંપૂર્ણ 'ઓલ-ક્લિયર' મળ્યા બાદ જ સેલેક્ટર્સ તેના નામ પર વિચારણા કરશે.  હાર્દિક પંડ્યાએ 24 મેના રોજ IPL માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પોતાની આખરી મેચ રમી હતી. ત્યારબાદ તે સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર રહ્યો છે. ભારત માટે તેણે આખરી મેચ 8 માર્ચે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં રમી હતી. આ અગાઉ ક્વાડ્રિસેપ્સમાં ખેંચાણને કારણે તે અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ તેમજ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. હવે આ નવી ઈજાના કારણે તેની ઇન્ટરનેશનલ ક્રિકેટથી અંતર વધુ ખેંચાઇ શકે છે. અફઘાનિસ્તાન સિરીઝ પહેલાં ભારતીય ટીમ માટે કેટલાક રાહતના સમાચાર પણ છે. ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર ઝડપથી રિકવર થઈ રહ્યા છે અને તેઓ સિરીઝ માટે ઉપલબ્ધ રહે તેવી પૂરી શક્યતા છે. બીજી તરફ, સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ આ સિરીઝમાં રમશે કે નહીં તે અંગે હજુ અનિશ્ચિતતા છે. સેલેક્ટર્સ ટૂંક સમયમાં દિલ્હીમાં બેઠક યોજીને ટીમ કોમ્બિનેશન અંગે આખરી નિર્ણય લેશે.