મહારાષ્ટ્ર સરકારમાં માથાકૂટ! ફડણવીસ સરકારના નિર્ણય સામે શિંદેસેના ભડકતાં નિર્ણય પાછો ખેંચાયો

January 20, 2025

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના કરી છે. મંત્રાલયોની ફાળવણી બાદ કામકાજ ચાલી રહ્યું છે. પરંતુ મહાયુતિમાં ખેંચતાણ સતત વધી રહી છે. રવિવારે રાજ્ય સરકારે નાસિક અને રાયગઢ જિલ્લામાં પ્રભારી મંત્રીની નિમણૂકમાં એનસીપી અને ભાજપના નેતાને સ્થાન આપવાનો આદેશ જાહેર કરતાં શિંદે જૂથની શિવસેનામાં અસંતોષની લાગણી ફેલાઈ છે. અનેક સ્થળો પર શિવસેના વિરોધ પ્રદર્શન કરી રહી છે. પરિણામે આ આદેશ પર સ્ટે મૂકવામાં આવ્યો છે. દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારે નાસિકના પ્રભારી મંત્રી તરીકે ભાજપ નેતા ગિરીશ મહાજન અને એનસીપી નેતા અદિતિ તટકરેને રાયગઢના પ્રભારી મંત્રી બનાવવાનો નિર્ણય લીધો હતો. જેથી શિંદે જૂથની શિવસેના નારાજ થઈ હતી. તેણે વિરોધ કર્યો હતો કે, પ્રભારી મંત્રીની પસંદગીમાં પારદર્શિતા અને સમાનતા રાખવી જોઈએ. મહારાષ્ટ્રમાં પ્રભારી મંત્રીને ગાર્જિયન મિનિસ્ટર કહેવાય છે. જે જિલ્લાના વિકાસ સાથે જોડાયેલી યોજનાઓ  માટે બેઠકોમાં ભાગ લે છે, અને તમામ બાબતોનો નિરિક્ષણ કરે છે. જેથી પ્રભારી મંત્રીના પદ માટે મહાયુતિમાં ખેંચતાણ વધી છે. પ્રભારી મંત્રી પદ એનસીપી અને ભાજપના ખાતામાં જતાં શિવસેના ભડકી ઉઠી હતી. શિવસેનાને અપેક્ષા હતી કે, ભારત ગોગાવાલેને રાયગઢના પ્રભારી મંત્રી બનાવવામાં આવશે, જ્યારે નાસિકની કમાન દાદા ભૂસેને મળશે. પરંતુ શિવસેનાના અપેક્ષાઓ પર પાણી ફેરવતાં દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટે ભાજપ અને એનસીપીને પ્રભારી મંત્રી પદ સોંપતા રોષની લાગણી ફેલાઈ હતી.