મુંબઈ એરપોર્ટ પરથી રૂ.50 કરોડની કિંમતનું હેરોઈન જપ્ત, બેની ધરપકડ

November 27, 2022

ઈથોપિયાના અદીસ અબાબાથી આવેલા 1 પુરૂષ અને 1 મહિલાની ધરપકડ


ટ્રોલીમાં 7.9 કિલો હેરોઈન છુપાવીને લાવવાનો આરોપીઓનો પ્રયાસ નિષ્ફળ ગયો


મુંબઈ- છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (DRI)ની ટીમે ઝિમ્બાબ્વેના બે નાગરિકોને 50 કરોડ રૂપિયાની કિંમતના હેરોઈનના જથ્થા સાથે ઝડપી લીધા છે. આ બંને નાગરિકો 7.9 કિલો ગ્રામ હેરાઈન ગેરકાયદેરીતે લઈને આવ્યા હતા.


એક અધિકારીએ જણાવ્યું કે, ડીઆરઆઈની મુંબઈ વિભાગની ટીમે બાતમીના આધારે મુંબઈ એરપોર્ટ પર ઈથોપિયાના અદીસ અબાબાથી આવેલા એક પુરૂષ અને એક મહિલાની તપાસ કરાઈ હતી. આ બંને મુસાફરોના સામાનની તપાસ કરતા કેટલાક પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટમાં બ્રાઉન પાવડર હતો. આ પેકેટોને ટ્રોલી બેગમાં છુપાવીને રખાયા હતા.


અધિકારીએ જણાવ્યં કે, તપાસમાં આ પેકેટો હેરોઈન હોવાની પુષ્ટિ થઈ છે અને તેનું કુલ વજન 7.9 કિલો છે. જપ્ત કરાયેલ ડ્રગની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 50 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેમણે જણાવ્યું કે આરોપીઓની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS એક્ટ)ની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરાઈ છે. આરોપીઓને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં તેમને કસ્ટડીમાં મોકલાયા છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.