'હિન્દુ ધર્મ મહાન છે પણ એને હિન્દુત્વથી જ ખતરો..' મણિશંકર અય્યરનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન

January 12, 2026

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે રવિવારે 'કોલકાતા ડિબેટિંગ સર્કલ' દ્વારા આયોજિત એક ચર્ચામાં ભાગ લીધો હતો. 'હિન્દુત્વથી હિન્દુ ધર્મને સુરક્ષાની જરૂર છે' વિષય પર બોલતાં અય્યરે હિન્દુત્વને એક રાજકીય વિચારધારા ગણાવી તેની આકરી ટીકા કરી હતી. મણિશંકર અય્યરે કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, 'હિન્દુત્વ એ વાસ્તવમાં હિન્દુ ધર્મ નથી પણ એક 'પેરુનોઇયા'(ડરની માનસિકતા) છે. જ્યાં 80% હિન્દુઓને 14% મુસ્લિમો સામે ડરવા માટે મજબૂર કરવામાં આવે છે. જેમાં એક ભાજપ નેતા એક અંધ, ભૂખી આદિવાસી છોકરીને થપ્પડ મારે છે, કારણ કે તે ચર્ચમાં ક્રિસમસ લંચમાં હાજરી આપે છે. તેમજ શોપિંગ મોલ્સમાં જઈને ક્રિસમસની સજાવટ તોડવી એ બધુ હિન્દુત્વના નામે થઈ રહ્યું છે.' મણિશંકર અય્યરે હિન્દુ ધર્મ અને હિન્દુત્વ વચ્ચેનો પાયાનો તફાવત સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, 'હિન્દુ ધર્મ એ હજારો વર્ષ જૂનો, મહાન અને ગહન આધ્યાત્મિક વારસો ધરાવતો ધર્મ છે, જ્યારે હિન્દુત્વ એ માત્ર 1923માં અસ્તિત્વમાં આવેલી એક અર્વાચીન રાજકીય વિચારધારા છે.' તેમણે ભારપૂર્વક કહ્યું કે, 'હિન્દુ ધર્મએ સદીઓથી અનેક પડકારો અને મુશ્કેલીઓનો સફળતાપૂર્વક સામનો કર્યો છે અને તે હંમેશા સુરક્ષિત રહ્યો છે, તેથી તેને બચાવવા માટે હિન્દુત્વ જેવી કોઈ અલગ સુરક્ષા કે રક્ષણની ક્યારેય જરૂર નહોતી. મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવો દ્વારા પ્રસ્તુત ઉદાર અને સર્વસમાવેશી હિન્દુ ધર્મને સાવરકરના હિન્દુત્વવાદી વિચારો દ્વારા ક્યારેય પ્રોત્સાહન આપી શકાય નહીં અથવા તેની સાથે જોડી શકાય નહીં.' વીર સાવરકરનો ઉલ્લેખ કરતાં અય્યરે દાવો કર્યો કે, 'સાવરકરે બૌદ્ધ ધર્મને હિન્દુઓ માટે ખતરો ગણાવ્યો હતો કારણ કે તેમાં અહિંસા પર ભાર મૂકવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મ હજારો વર્ષ જૂનો છે જે સાવરકરના હિન્દુત્વ વગર પણ સમૃદ્ધ અને મજબૂત છે. ગાંધીજી અને સ્વામી વિવેકાનંદનો હિન્દુ ધર્મ અહિંસા પર આધારિત છે, જ્યારે સાવરકરનું હિન્દુત્વ હિંસાને ઓળખ માને છે.'