હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્યો, મકાન-રસ્તા-વાહનો વહી ગયા, અનેક ગુમ

July 01, 2025

પૂર અને વરસાદ વચ્ચે, હિમાચલ પ્રદેશમાં ભારે વિનાશ સર્જાયો છે. હિમાચલના મંડીના ધર્મપુર, લૌંગણીમાં વાદળ ફાટવાના સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કરસોગ ખીણમાં વાદળ ફાટવા જેવી સ્થિતિમાં 7થી 8 મકાન પાણીમાં વહી ગયા છે. અનેક વિસ્તારોમાં ગાડીઓ વહેતી હોય તેવી પણ તસવીરો સામે આવી છે. હાલ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. વળી, કુલ્લુની બંજાર ખીણમાં તીર્થન નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જ્યાં વરસાદ અને પૂરના કારણે અનેક રસ્તાઓ તૂટી ગયા છે. 

કરસોગના મેગલીમાં નાળામાં પાણી ગામથી થઈને વહેવા લાગ્યો જેનાથી લગભગ 8 ઘર અને બે ડઝનથી વધુ ગાડીઓ તેની લપેટમાં આવી ગઈ છે. પહાડોમાં નાળાઓએ એટલા ભયાનક સ્વરૂપે વહી રહ્યા છે કે, પાણી ગામડાંઓમાં ભરાઈ ગયા છે, જેના કારણે લોકો અડધી રાત્રે ઘરોમાંથી નીકળીને રસ્તા પર પહોંચી ગયા છે. હાલ, પહાડો પર સ્થિત પોલીસ કેમ્પમાં લોકોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.  

ધર્મપુરમાં નદીનું પાણી લગભગ 20 ફૂટ ઉપર વહેવા લાગ્યું છે, જેના કારણે બજાર અને પોલીસ સ્ટેશન જળમગ્ન થઈ ગયા છે. થુનાગમાં મુખ્ય બજારના રસ્તામાં જ નાળું વહેવા લાગ્યું છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે, જેના કારણે લોકોને આખી-આખી રાત જાગવું પડ્યું હતું. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે લોકોને પોતાની ખાનગી વસ્તુઓનું નુકસાન વેઠવું પડી રહ્યું છે, વળી રસ્તા પર પરિવહન પણ ખોરવાઈ ગયું છે.