હોંગકોંગ અને સિંગાપોરમાં કોરોનાના કેસમાં વધારો, કોવિડ ગાઈડ લાઈન લાગુ

May 20, 2025

એશિયાના અનેક દેશોમાં ફરી કોવિડ-19 કહેર જોવા મળ્યો છે. સિંગાપોર, હોંગકોંગ, ચાઈના સહિત થાઈલેન્ડમાં કોવિડ-19 ફરી માથું ઉચકી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ દેશોમાં કોવિડ-19 કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હોંગકોંગમાં છેલ્લા 10 દિવસની અંદર કોવિડના કેસ 30 ગણાથી વધુ વધ્યા છે. 10 મે સુધીમાં હોંગકોંગમાં કુલ 1,042 કોવિડ કેસ નોંધાયા હતા.

ચીન અને થાઇલેન્ડમાંથી પણ કોવિડના કેસ વધવાના અહેવાલો આવી રહ્યા છે. સિંગાપોરમાં મે મહિનાના આરંભમાં 14,000 કેસ નોંધાયા હતા. હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. હોંગકોંગ ઉપરાંત સિંગાપોરમાં પણ એક અઠવાડિયામાં કોવિડ કેસોમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. . સિંગાપોરમાં હાલમાં ફેલાતા સૌથી પ્રચલિત કોવિડ પ્રકારો LF.7 અને NB.1.8 છે.

હોંગકોંગ, સિંગાપોર અને થાઈલેન્ડમાં કોવિડના સામે આવેલ આંકડા મુજબ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે પરંતુ મોટાભાગના દર્દીઓમાં સામાન્ય સમસ્યા જોવા મળી છે. એક રિપોર્ટ મુજબ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાં (ICU) જેવી ગંભીર સમસ્યા બહૂ ઓછી જોવા મળી છે. કોવિડ કેસમાં વધારો થતા હોંગકોંગ, સિંગાપોર અને થાઈલેન્ડમાં કોવિડ ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે.