ભારતનું અર્થતંત્ર લગાવશે લાંબી છલાંગ!, 10%થી વધુ ગ્રોથની નાણામંત્રીને આશા

September 27, 2026

દિલ્હી : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણે ભારતની અર્થવ્યવસ્થાને લઈને મોટો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે ભારત 10%થી વધુ આર્થિક વિકાસ દર હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે. આ માટે ટેક્નોલોજી, ઇનોવેશન અને અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં નવી ટેકનોલોજીને ઝડપથી અપનાવવી જરૂરી રહેશે.


સીતારામણે કહ્યું કે, ભારતની આર્થિક ક્ષમતા વધારવામાં ટેક્નોલોજી અને ઇનોવેશનની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. તેમણે 2015 પછી દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિસ્તારનો પણ ઉલ્લેખ કર્યો. તેમના મતે, નવી ટેકનોલોજીનો ઉપયોગ માત્ર IT ક્ષેત્ર પૂરતો સીમિત ન રહેવો જોઈએ, પરંતુ કૃષિ સહિતના અન્ય ક્ષેત્રોમાં પણ તેનો વિસ્તાર થવો જોઈએ. નાણાં મંત્રીએ કૃષિ ક્ષેત્રમાં ટેક્નોલોજીના ઉપયોગને પણ અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો. આધુનિક ટેકનોલોજી દ્વારા ખેતીની ઉત્પાદકતા વધારવા અને ખેડૂતોની આવક સંબંધિત તકો સુધારવાની ક્ષમતા રહેલી છે. આનાથી અર્થતંત્રના મોટા હિસ્સાને વિકાસની પ્રક્રિયા સાથે જોડવામાં મદદ મળી શકે છે.


સરકારના ફેબ્રુઆરી 2026ના આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો વાસ્તવિક GDP ગ્રોથ 7.4% રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. જ્યારે, નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં નોમિનલ GDP ગ્રોથ 10% રહેવાનો અંદાજ છે. સરકારના જણાવ્યા અનુસાર, સર્વિસ સેક્ટર 9.1%ના દરે વધ્યું, જ્યારે મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શનમાં 7% વૃદ્ધિનો અંદાજ હતો.