ખાલિસ્તાની હેપ્પી પાસિયા અમેરિકામાં પણ હુમલા કરાવતો હતો : કાશ પટેલ

April 23, 2025

પંજાબમાં ઘણા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ પૈકીનો એક હરપ્રીતસિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની તાજેતરમાં થયેલી ધરપકડ મુદ્દે FBIના ડાઇરેક્ટર કાશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. કાશ પટેલે એક પોસ્ટ કરીને લખ્યું હતું કે હરપ્રીતસિંહ અમેરિકામાં એક કથિત વિદેશી આતંકવાદી ગેંગનો સભ્ય છે, 

જેના વિશે અમારું માનવું છે કે તે ભારત અને અમેરિકા બન્ને દેશમાં પોલીસ સ્ટેશનો પર ઘણા હુમલાની યોજના ઘડવામાં સામેલ હતો. એફબીઆઇ સ્કારમેન્ટોએ સ્થાનિક તેમજ ભારતમાં પોતાના સહયોગીઓ સાથે સમન્વય કરીને તપાસ કરી હતી. તમામે ખૂબ સારું કામ કર્યું હતું અને ન્યાય કરાશે. 

એફબીઆઇ હિંસા કરનારા લોકોને શોધવાનું ચાલુ રાખશે, તેઓ ચાહે ગમે ત્યાં કેમ ન હોય. આતંકવાદી હરપ્રીતસિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની અમેરિકાના સ્કારમેન્ટોમાં થયેલી ધરપકડ મુદ્દે કાશ પટેલે કહ્યું હતું કે આ મામલાની વિસ્તૃત તપાસ એફબીઆઇનું સ્કારમેન્ટો યુનિટ કરી રહ્યું છે, 

જેમાં સ્થાનિક અમેરિકન એજન્સીઓ અને ભારતની સુરક્ષા એજન્સીઓએ સાથે મળીને કાર્યવાહી કરી હતી. એફબીઆઇએ ગત 18 એપ્રિલના રોજ હેપ્પી પાસિયાની ઘરપકડ કરી હતી અને તેની વિરુદ્ધ ગેરકાયદે ઇમિગ્રેશન, કાવતરું અને આતંકવાદી કનેક્શન જેવા ગંભીર આરોપોની તપાસ શરૂ કરી હતી.