'પાડોશી દેશ સુધરવાનો નથી, દુઆ કરો કે...' પાકિસ્તાન સાથે સંઘર્ષ અંગે ઓવૈસીનું નિવેદન ચર્ચામાં

May 17, 2025

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શુક્રવારે જાહેરાત કરી કે તેમની સરકારની હૈદરાબાદ લોકસભા મતવિસ્તારમાં મેટ્રો રેલ સહિત વિવિધ પ્રોજેક્ટ્સ પર 2,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના છે. આ દરમિયાન મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીએ મુસ્લિમ યુવાનોને સ્વરોજગારને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્ય સરકારના કાર્યક્રમ રાજીવ યુવા વિકાસમ હેઠળ સરકારી નાણાકીય સહાય માટે અરજી કરવા અપીલ કરી. આ કાર્યક્રમમાં સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને અનિલ કુમાર યાદવ સહિત અનેક ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. હૈદરાબાદના સાંસદ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાને પહલગામ પર કરેલા હુમલા સામે કડક વલણ અપનાવ્યું. તેમણે પહલગામ આતંકવાદી હુમલા અને પાકિસ્તાન ટીકા કરી. એવામાં હવે ફરી એકવાર ઓવૈસીએ પાકિસ્તાનને અરીસો બતાવ્યો છે. તેમણે શુક્રવારે સાંજે હૈદરાબાદના નામપલ્લીમાં હજ હાઉસ ખાતે હજ યાત્રાળુઓને સંબોધન કર્યું હતુ.
આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ હજ યાત્રીઓને પાકિસ્તાન અંગે ખાસ અપીલ કરી. હૈદરાબાદના સાંસદે કહ્યું, 'આપણો પાડોશી દેશ સુધરવાનો નથી. તમે હજ યાત્રા પર જઈ રહ્યા છો, દુઆ કરો કે તે સુધરે, બાકી જ્યારે ફરી સમય આવશે ત્યારે તેમને સીધા કરવા પડશે.  ઓવૈસીએ હજ યાત્રાળુઓને આગ્રહ કર્યો કે, 'આ યાત્રાને માત્ર ઔપચારિક યાત્રા તરીકે નહીં પરંતુ ધીરજ, કૃતજ્ઞતા અને નમ્રતાથી ભરપૂર આધ્યાત્મિક અનુભવ તરીકે જુઓ. હજ એક ભૌતિક યાત્રા કરતાં વધુ છે; આ એક આધ્યાત્મિક કસોટી છે જ્યાં ધીરજ, બલિદાન અને ભાઈચારો જેવા ગુણોનો અભ્યાસ કરવામાં આવે છે.'