વોટ ચોરી મુદ્દે વિપક્ષ રસ્તા પર ઉતર્યું:રાહુલ-પ્રિયંકા સહિત 300 વિપક્ષી સાંસદોએ કૂચ કરી, 'વી વોન્ટ જસ્ટિસ'ના નારા લગાવ્યા; દિલ્હી પોલીસે રોક્યા

August 11, 2025

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી પક્ષોના 300 સાંસદોએ સંસદથી ચૂંટણી પંચ તરફ કૂચ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષોના સાંસદો સંસદ ભવનના મકર દ્વારથી આ કૂચ શરૂ કરી હતી. આ કૂચ SIR પ્રક્રિયા અને રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા 'વોટ ચોરી'ના આરોપોને લઈને યોજવામાં આવી છે.

રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ રેલીમાં વિપક્ષના તમામ પક્ષોના સાંસદોએ ભાગ લીધો છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, ડીએમકે ઉપરાંત અન્ય પક્ષો વોટ ચોરી વિરૂદ્ધની મોર્ચા રેલીમાં જોડાયા છે. આ રેલીમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી પણ સામેલ છે.

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ચૂંટણી પંચ અને ભાજપ પર વોટ ચોરીનો આરોપ મૂક્યા બાદ આ રેલીના આયોજનની જાહેરાત થઈ હતી. વોટ ચોરી વિરૂદ્ધ લોક સમર્થન મેળવવા રેલી કાઢવાની જાહેરાત વિપક્ષના સાંસદોએ કરી હતી. પરંતુ દિલ્હી પોલીસે તેની પરવાનગી આપી ન હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, વિપક્ષે આ રીલેી માટે કોઈ મંજૂરી માગી નથી. સાંસદોની આ રેલી ચૂંટણી પંચની ઓફિસ તરફ રવાના થઈ રહી છે. રસ્તામાં આકરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.