ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

June 07, 2025

: ભારતમાં યુએસ એમ્બેસીએ શનિવારે સવારે એક નવું ઍલર્ટ જારી કર્યું છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં વિદેશી નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે, આ ચેતવણીની સાથે જ જેઓ અમેરિકા છોડવા ઇચ્છે છે તેમના માટે એક ઓફર પણ આપવામાં આવી છે.


એમ્બેસી દ્વારા જારી કરાયેલી સત્તાવાર નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, 'અમેરિકામાં ગેરકાયદે રહેતાં વિદેશી લોકોએ તરત જ દેશ છોડી દેવો જોઈએ. આ માટે તેમની પરિસ્થિતિઓના આધારે, તેમને યુએસ સરકાર તરફથી નાણાકીય અને અન્ય સહાય મળી શકે છે.' આ ઓફરનો લાભ લેવા ઇચ્છતા લોકોને ટ્રમ્પ વહીવટીતંત્રની 'CBP Home App' દ્વારા રજિસ્ટ્રેશન કરાવવા માટે રી-ડાયરેક્ટ કરવામાં આવ્યા છે.


યુએસ સેક્રેટરી ઑફ હોમલૅન્ડ સિક્યુરિટીએ સ્વૈચ્છિક ડિપોર્ટેશન કરનાર માટે તેમની ધરપકડ ન કરતાં આ સલામત અને સૌથી વધુ અસરકારક રસ્તો પસંદ કર્યો છે. આથી યુએસ સરકાર સ્વૈચ્છિક ડિપોર્ટેશન માટે CBP Home Appને હાઇલાઇટ કરી રહી છે કારણ કે તે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને સ્વૈચ્છિક રીતે અમેરિકા છોડવા માટે પ્રોત્સાહિત કરે છે. આ માટે પોતાના દેશ પાછા ફરતાં લોકોને અમેરિકા CBP Home App દ્વારા નાણાકીય મુસાફરી સહાય અને સ્ટાઇપેન્ડ ઓફર કરી રહ્યું છે.