9 મેના રોજ મોસ્કોમાં યોજાનાર રશિયાના વિજય દિવસ સમારોહમાં રાજનાથ સિંહ ભાગ નહીં લે

May 03, 2025

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ 9 મેના રોજ મોસ્કોમાં યોજાનાર રશિયાના વિજય દિવસ સમારોહમાં ભાગ લેશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજનાથ સિંહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્થાને રશિયા જવાના હતા. પીએમ મોદીને મોસ્કોના વિજય દિવસ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, તેમણે મુલાકાત રદ કરી.

હવે ભારત વતી સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠ આ સમારોહમાં ભાગ લેશે. આ કાર્યક્રમ બીજા વિશ્વયુદ્ધમાં સોવિયેત યુનિયનના જર્મની પર વિજયની 80મી વર્ષગાંઠની ઉજવણી માટે યોજાઈ રહ્યો છે અને તેને રશિયાનું રાષ્ટ્રીય ગૌરવ માનવામાં આવે છે, જેમાં ઘણા વૈશ્વિક નેતાઓ અને લશ્કરી પ્રતિનિધિઓ હાજરી આપે છે.

જોકે રશિયન અધિકારીઓએ પીએમ મોદીની મુલાકાત રદ કરવા પાછળ કોઈ ઔપચારિક કારણ આપ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ભારતમાં ઉભી થયેલી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડા પ્રધાન મોદી ગયા વર્ષે બે વાર રશિયા ગયા હતા, એક વખત રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાર્ષિક સમિટ માટે અને બીજી વખત કાઝાનમાં બ્રિક્સ સમિટમાં હાજરી આપવા માટે.