રશિયાએ એક જ રાતમાં 479થી વધુ ડ્રોન હુમલા કરી યુક્રેનમાં મચાવી તબાહી

June 10, 2025

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ વિનાશકારી બન્યું છે. યુક્રેનના ડ્રોન હુમલાનો જવાબ આપવા રશિયાએ પણ મોટું ઓપરેશન હાથ ધર્યું અને એક જ રાતમાં 479 ડ્રોન હુમલા કરી તબાહી મચાવી. કહેવાય છે કે અત્યાર સુધી યુક્રેન અને રશિયા વચ્ચેનો યુદ્ધમાં આ સૌથી મોટો ડ્રોન હુમલો છે. થોડા સમય પહેલા યુદ્ધ વિરામની સંભાવનાને લઈને રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીતનો દોર થયો હતો.

જો કે શાંતિ વાટાઘાટોની બેઠકમાં પુતિનની ગેરહાજરીના કારણે સફળતા ના મળી અને યુદ્ધ ચાલુ રહેશે તેવો સંકેત મળ્યો હતો. દરમિયાન સોમવારના રોજ યુક્રેન અને રશિયાએ યુદ્ધ કેદીઓના બીજા જૂથની અદલાબદલી કરી હતી. યુક્રેને 1 જૂનના રોજ રશિયા પર ઓપરેશન સ્પાઈડરવેબ લોન્ચ કર્યું હતું. આ હુમલામાં યુક્રેને રશિયા પર 100 થી વધુ ડ્રોન છોડ્યા હતા. યુક્રેનનો રશિયા પર આ સૌથી મોટો ડ્રોન હુમલો હતો.  આ હુમલામાં યુક્રેને રશિયાના પરમાણુ-સક્ષમ લાંબા અંતરના બોમ્બરોને નિશાન બનાવતા રશિયાને મોટું નુકસાન થયું હતું.

અને તાજેતરમાં રશિયાએ આ ઓપરેશનનો બદલો લેવા યુક્રેન પર લગભગ 479 ડ્રોન અને વિવિધ પ્રકારના 20 મિસાઇલ હુમલા કર્યા. રશિયાએ યુક્રેન પર ડ્રોન હુમલા કર્યા તેમાં ઓડેસાના દક્ષિણ બંદરમાં પ્રસૂતિ વોર્ડને નુકસાન પહોંચ્યું. આ ડ્રોન હુમલામાં રશિયાએ કિવમાં ડ્રોન વેરહાઉસને નિશાન બનાવ્યું. રશિયાના આ ડ્રોન હુમલામાં એક યુક્રેનિયન વ્યક્તિ ઘાયલ થયો હોવાની યુક્રેન અધિકારીએ પુષ્ટિ કરી હતી.