ઑસ્ટ્રિયાની સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 11ના મોત

June 10, 2025

મંગળવારે સવારે ઑસ્ટ્રિયાના ગ્રાઝ શહેરની એક હાઇ સ્કૂલમાં ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયાં હતાં અને 28 લોકો ઘાયલ થયા હતા. તેમાંથી ચાર લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. કેટલાક લોકોના માથામાં પણ ગોળી વાગી છે.

પોલીસે આ વિસ્તારમાં મોટી કાર્યવાહી શરૂ કરી છે અને લોકોને ત્યાંથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઑસ્ટ્રિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સવારે લગભગ 10 વાગ્યે સ્કૂલની અંદર ગોળીબારનો અવાજ સંભળાયો હતો.

પોલીસ તાત્કાલિક જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ પ્રવક્તા સાબરી યોર્ગુને જણાવ્યું હતું કે પોલીસ હજુ પણ ત્યાં શું થયું એ શોધવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં સ્પેશિયલ ફોર્સ કોબ્રા ઘટનાસ્થળે તહેનાત કરવામાં આવી છે.

ઓસ્ટ્રિયન ગૃહ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે મૃતકોની વાસ્તવિક સંખ્યા હજુ સુધી જાહેર કરી શકાઈ નથી. ઘાયલોની સંખ્યાની પુષ્ટિ થઈ નથી.

બોર્ગ ડ્રેયર્સચ્યુત્ઝેંગાસે હાઇ સ્કૂલમાં બનેલી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને પોલીસે લોકોને શાંત રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

રિપોર્ટ મુજબ, શંકાસ્પદ હુમલાખોર કદાચ તે જ સ્કૂલનો વિદ્યાર્થી હતો અને તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તેનો મૃતદેહ સ્કૂલના બાથરૂમમાંથી મળ્યો હોવાના પણ સમાચાર છે. ગ્રાઝ ઑસ્ટ્રિયાનું બીજું સૌથી મોટું શહેર છે, જે દેશના દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે અને ત્યાં લગભગ 3 લાખ લોકો રહે છે.