અમેરિકામાં પ્રવાસીઓના દેશનિકાલ પર સુપ્રીમનો સ્ટે

May 17, 2025

વોશિંગ્ટન ડીસી : અમેરિકાની સુપ્રીમ કોર્ટે વેનેઝુએલાના નાગરિકોને ડિપોર્ટ કરવાના ટ્રમ્પના નિર્ણય પર રોક લગાવી દીધી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર 1798ના 'એલિયન એનિમીઝ એક્ટ' હેઠળ ટેક્સાસના એક ડિટેન્શન સેન્ટરમાં અટકાયત કરાયેલા લોકોને શક્ય તેટલી ઝડપથી દેશનિકાલ કરવા માંગતું હતું.

એલિયન એનિમીઝ એક્ટ એ યુદ્ધ સમયનો કાયદો છે જેમાં દુશ્મનોને દેશમાંથી હાંકી કાઢવા માટે બહુ કાનૂની કાર્યવાહીની જરૂર પડતી નહોતી. ટ્રમ્પ પ્રશાસનના નિર્ણય પર રોક લગાવતા કોર્ટે કહ્યું કે સરકારે લોકોને દેશમાંથી હાંકી કાઢતા પહેલા કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવાની સંપૂર્ણ તક આપવી પડશે.

કોર્ટે એમ પણ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિઓ, જેમ કે ઇમિગ્રન્ટ્સને સુનાવણી વિના 24 કલાકની અંદર દેશ બહાર કાઢી મુકવા એ બિલકુલ યોગ્ય નથી.

આ ચુકાદાનો અર્થ એ છે કે પ્રવાસીઓને જાણવાનો અને કોર્ટમાં પડકારવાનો અધિકાર છે કે તેમને શા માટે દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. જોકે, આ નિર્ણય હજુ પણ કામચલાઉ છે અને તેના પરની સમગ્ર કાયદાકીય લડાઈ હજુ બાકી છે.

સુપ્રીમ કોર્ટે કેસને નીચલી કોર્ટ (ફિફ્થ સર્કિટ કોર્ટ)માં પાછો મોકલ્યો છે જેથી તેની વધુ યોગ્ય રીતે સુનાવણી થઈ શકે. આ એ જ કોર્ટે એપ્રિલમાં આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું-

ટ્રમ્પ બીજી વખત સત્તામાં આવ્યા ત્યારથી, તેઓ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. ટ્રમ્પ વહીવટીતંત્રે, એલિયન એનિમીઝ એક્ટનો ઉપયોગ કરીને, માર્ચ 2025માં આશરે 137 વેનેઝુએલાના ઇમિગ્રન્ટ્સને અલ સાલ્વાડોર મોકલી દીધા છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે તેઓ ગુનેગારો હતા અને કુખ્યાત ગિરોડ "ટ્રેન ડી અરાગુઆ" સાથે જોડાયેલા હતા.

અહેવાલો અનુસાર, આમાંના ઘણા સ્થળાંતર કરનારાઓ સામે કોઈ ગુનાહિત આરોપો નહોતા અને યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યા વિના તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. અલ સાલ્વાડોરમાં, આ ઇમિગ્રન્ટ્સને વિશ્વની સૌથી ખતરનાક જેલ ગણાતી CECOT જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ જેલ માનવ અધિકારોના ઉલ્લંઘન માટે બદનામ છે.

જાન્યુઆરી 2023માં અલ સાલ્વાડોરમાં એક જેલ બનાવવામાં આવી હતી. તેનું નામ 'સેન્ટર ફોર કન્ફાઇનમેન્ટ ઓફ ટેરરિસ્ટ્સ' છે જેને CECOT તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વિશ્વની સૌથી મોટી જેલોમાંની એક છે. તેમાં 40 હજારથી વધુ કેદીઓને રાખી શકાય છે.