બિહારમાં ચૂંટણી પહેલાં ભાજપ-નીતિશનું ટેન્શન વધારતો સર્વે, જાણો CM તરીકે પહેલી પસંદ કોણ?

June 11, 2025

બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખ હજુ જાહેર કરવામાં નથી આવી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે નવેમ્બર મહિના પહેલા તારીખ જાહેર થઈ શકે છે. આ દરમિયાન હાલ એક સર્વે કરવામાં આવ્યો હતો જેના પરિણામ ખૂબ જ ચોંકાવનારા છે.  બિહારમાં 2025માં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. બિહાર વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બર, 2025ના રોજ પૂરો થઈ રહ્યો છે, તેથી તે પહેલાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. જો કે હજુ સુધી ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ પરંતુ ટૂંક સમયમાં થઈ શકે છે.  આ દરમિયાન, પોલ ટ્રેકરનો ઓપિનિયન પોલ બહાર આવ્યો છે, જે બિહારના રાજકારણમાં નવા સમીકરણો તરફ ઇશારો કરી રહ્યો છે. આ સર્વેમાં નેતાઓના મત ટકાવારી, બેઠકના અંદાજ અને લોકપ્રિયતાનો ખુલાસો થયો છે. આ સર્વે મુજબ ઇન્ડિયા ગઠબંધન આ વખતે NDAને પાછળ છોડી શકે છે. કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના ગઠબંધનને ચૂંટણીમાં 44.2% મત મળી શકે છે. બિહારમાં ઇન્ડિયા ગઠબંધનનો સૌથી મહત્ત્વપૂર્ણ ચહેરો RJD ના તેજસ્વી યાદવ છે. સર્વે મુજબ, તેજસ્વી યુવાનોની પહેલી પસંદગી બની શકે છે. ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઇટેડનું NDA ગઠબંધન બીજા સ્થાને રહી શકે છે. તેને 42.8% મત મળી શકે છે. બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠકો છે અને બહુમતી માટે 122 બેઠકોની જરૂર છે. આ સર્વે અનુસાર આ વખતે બિહારમાં ઇન્ડિયા ગઠબંધન સરકાર બની શકે છે. ઇન્ડિયા ગઠબંધનને 126 બેઠકો મળી શકે છે. બીજી તરફ, ભાજપ અને JDUના NDA ગઠબંધનને 112 બેઠકો મળી શકે છે. જનસુરાજ પાર્ટીને ફક્ત 1 બેઠક મળવાની ધારણા છે. બાકીની 8 બેઠકો અન્ય પક્ષોને મળી શકે છે. બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને બે વાર સર્વે કરવામાં આવ્યો છે અને બંને વખત ઇન્ડિયા ગઠબંધનને બહુમતી મળી છે. 8 જૂને કરાયેલા સર્વેમાં ઇન્ડિયા ગઠબંધનને 121થી 131 બેઠકો મળવાનો અંદાજ હતો. જ્યારે એનડીએને 108થી 115 બેઠકો મળવાનો અંદાજ હતો. જન સૂરજ પાર્ટીને 2થી 3 બેઠકો મળવાનો અંદાજ હતો અને અન્યને 4થી 12 બેઠકો મળવાનો અંદાજ હતો. સર્વેમાં મુખ્યમંત્રી માટે પહેલી પસંદગી પણ જાહેર કરવામાં આવી છે. બિહારના લોકોએ તેજસ્વી યાદવને પોતાની પહેલી પસંદગી જાહેર કર્યા છે. 43% લોકોએ તેજસ્વી યાદવના પક્ષમાં મતદાન કર્યું છે. આ યાદીમાં નીતિશ કુમાર બીજા નંબરે છે. 31% લોકોએ તેમના પક્ષમાં મતદાન કર્યું છે. પ્રશાંત કિશોર ત્રીજા નંબરે છે. 9% ટકા લોકોએ તેમને પસંદ કર્યા છે.