'ટ્રમ્પની વાતને ગંભીરતાથી લેશો તો સારું રહેશે ' નિક્કી હેલીની ભારતને સલાહ

August 24, 2025

વોશિંગ્ટન : યુનાઈટેડ નેશન્સમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ અમેરિકાના ભારત વિરોધી વલણો પર હવે ભારતને સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે, ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા મુદ્દે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાતને ગંભીરતાપૂર્વક લેવી જોઈએ. વ્હાઈટ હાઉસ સાથે મળી બને તેટલી ઝડપે આ મામલે ઉકેલ લાવવો જોઈએ. 

નિક્કી હેલીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરતાં ભારતને સલાહ આપી હતી કે, વિશ્વના બે ટોચના લોકતંત્રો વચ્ચે દાયકાઓથી ચાલી રહેલી મિત્રતા અને વિશ્વાસને વર્તમાન મતભેદો ડગમગાવી શકશે નહીં. વેપાર વિવાદ અને રશિયા પાસેથી ક્રૂડની આયાત જેવા મુદ્દાઓ પર વાર્તાલાપ જરૂરી છે. બંને દેશો વચ્ચે ભાગીદારી મહત્ત્વની છે. ચીનનો સામનો કરવા માટે અમેરિકાને ભારત જેવા મિત્રની જરૂર છે. નિક્કી હેલીએ અગાઉ પણ ભારતને ચીમકી આપી હતી. ભારત-અમેરિકાના સંબંધ એક નાજુક મોડ પર છે. તેમણે ન્યૂઝવીકમાં એક લેખ મારફત ભારતને કહ્યું હતું કે, ધ્યાન રાખજો! બંને દેશોના સંબંધોમાં રશિયન ક્રૂડ અને ટેરિફ વિવાદ સ્થાયી તિરાડનું કારણ બને નહીં. ઉલ્લેખનીય છે, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે 1 ઓગસ્ટના રોજ ભારત પર 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. તેમજ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા મામલે પેનલ્ટી પણ લાદી હતી. તેના થોડા સમય બાદ રશિયા સાથે વેપાર ચાલુ રાખવાનો વિરોધ કરતાં ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો હતો. જે 27 ઓગસ્ટના રોજથી લાગુ થશે. હેલીએ જણાવ્યા પ્રમાણે, ભારતનો વિકાસ ચીનના આર્થિક વિસ્તરણ પર અસર કરી શકે છે. જેમ જેમ ભારત મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી આવશે, તેમ ચીનની મહત્ત્વાકાંક્ષા નબળી પડશે. ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીને સીધી વાતચીત કરવા અપીલ કરતાં હેલીએ કહ્યું હતું કે, જો સમયસર પગલાં લેવામાં ન આવ્યા તો બેઈજિંગ આ તિરાડનો ફાયદો ઉઠાવી શકે છે.