ભારતના પડોશી દેશોમાં વધ્યો તણાવ: ચીને 25 લડાકૂ વિમાન અને સાત યુદ્ધ જહાજ ઉતારી કર્યું શક્તિ પ્રદર્શન

October 14, 2024

ચીન અને તાઇવાન વચ્ચે તણાવ નવો નથી, પરંતુ તાજેતરના દિવસોમાં આ તણાવ ફરી વધી ગયો છે. ચીને તાઇવાન નજીક સૈન્ય અભ્યાસ શરુ કર્યો છે, જેમાં યુદ્ધ જહાજો અને લડાકૂ વિમાન સામેલ છે. આ યુદ્ધ અભ્યાસનું નામ 'જોઇન્ટ સ્વોર્ડ-2024 બી' નામ આપવામાં આવ્યું છે, જેનો હેતુ તાઇવાન પર દબાણ લાવવાનો અને પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરવાનો છે. જો કે ચીન તેને તેની સંયુક્ત કામગીરી ક્ષમતાનું પરીક્ષણ ગણાવી રહ્યું છે, પરંતુ હકીકતમાં તાઇવાનને ડરાવવા અને તેના સ્વતંત્રતા સમર્થક વિચારોને દબાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. તાઇવાનના પ્રમુખ વિલિયમ લાઈ ચિંગના તાજેતરના ભાષણ બાદ ચીનની નારાજગી વધી ગઈ છે. પ્રમુખ લાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, તાઇવાન અને ચીન અલગ છે. ચીનને તાઇવાનનું પ્રતિનિધિત્વ કરવાનો કોઈ અધિકાર નથી. આ નિવેદન ચીન માટે એક પડકાર સમાન હતું, જે તાઇવાનને પોતાનો હિસ્સો માને છે. તેના જવાબમાં ચીને તાત્કાલિક પોતાની સેના પીપુલ્સ લેબરેશન આર્મી (PLA)ને એક્ટિવ કરી દીધી અને તાઇવાનની ચારેય બાજુ નાકાબંધી જેવો માહોલ બનાવી દીધો.  ચીની દ્વારા આયોજિત 'જોઇન્ટ સ્વોર્ડ-2024 બી' સૈન્ય અભ્યાસમાં 25 લડાકૂ વિમાન, 7 યુદ્ધ જહાજ અને ચાર અન્ય જહાજો તાઇવાનની આસપાસ જોવા મળ્યા છે. આમાંથી કેટલાક વિમાનોએ તાઇવાનની મધ્ય રેખાને ઓળંગીને તાઇવાનના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. ચીનનું આ સૈન્ય પ્રદર્શન તાઇવાનને ડરાવવાનો વધુ એક પ્રયાસ છે, કારણ કે તાઇવાન પોતાને એક સ્વતંત્ર રાષ્ટ્ર માને છે અને ચીનના કોઈપણ દાવાને નકારે છે.