‘એક દેશ, એક ચૂંટણી’નો આ રાજ્યોના મુખ્યમંત્રીઓએ કર્યો વિરોધ

December 13, 2024

કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આજે ગુરુવારે કેબિનેટ બેઠકમાં ‘એક દેશ, એક ચૂંટણી’ બિલને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે બિલને લઈને ચર્ચાઓ થઈ રહી છે. જેમાં અમુક આ બિલના ફાયદાઓ ગણાવી રહ્યું છે, તો બિન ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ વિરોધ કરીને આ બિલને ગેરબંધારણીય ગણાવ્યું. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, પશ્ચિમ બંગાળના મુખ્યંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણે બિલને લઈને વાંધો વ્યક્ત કર્યો છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ‘એક દેશ, એક ચૂંટણી’ને ભાજપનો એજન્ડા ગણાવ્યો. તેમણે કહ્યું કે, 'એનડીએ પાસે બહુમતિ છે અને તેમણે કોઈપણ નિર્ણય લઈ શકે છે. પરંતુ એક દેશ, એક ચૂંટણીના પ્રભાવ અને પરિણામોને જોવાની જરૂરત છે. આ ભાજપનો એજન્ડા છે. ભાજપ તેમના એજન્ડા પર કામ કરશે અને અમે અમારા એજન્ડા પર કામ કરીશું. '

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો અને ભારતની લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા બિલને લઈને નિષ્ણાત અને વિપક્ષી નેતાઓની ચિંતાઓની અવગણના કરવામાં આવી છે.  આ કાંઈ સમજી વિચારીને કરવામાં આવેલો સુધારો નથી. આ બિલ ભારતની લોકશાહી અને સંઘીય માળખાને નબળી પાડવા માટે સરમુખત્યારશાહી લાદવામાં આવ્યું છે. અમારા સાંસદો સંસદમાં આ ક્રૂર કાયદાનો પૂરી તાકાત સાથે વિરોધ નોંધાવશે. બંગાળ ક્યારેય તાનાશાહી વિચારો આગળ ઝૂકશે નહીં. આ લડાઈ ભારતની લોકશાહીને બચાવાની છે.