ઝારખંડમાં NDA જેવું કંઈ છે જ નહીં... ', નીતિશ કુમારના ધારાસભ્યના નિવેદને ટેન્શન વધાર્યું

March 05, 2025

ઝારખંડમાં સત્તા મેળવવાની દોડમાં પાછળ રહી ગયેલું રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) પરસ્પર એકતામાં પણ હવે પાછળ પડી રહ્યું છે. તાજેતરમાં જ પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના સાથી પક્ષો જેડીયુ, એજેએસયુ પાર્ટી અને એલજેપી (રામ વિલાસ) પાસવાન સાથે સમજૂતી હેઠળ બેઠકોની વહેંચણી કરી હતી. પરંતુ હવે નીતિશ કુમારના ધારાસભ્યના નિવેદનથી રાજકારણ ગરમાયું છે.  આ પક્ષોએ પોતાના ખાતામાં એક-એક વિધાનસભા બેઠક પણ મેળવી, પરંતુ ચૂંટણી પરિણામ બાદ NDAની એકજૂઠતા પર પ્રયાસ ન થવા પર જમશેદપૂર પશ્ચિમથી જેડીયુ ધારાસભ્ય સરયૂ રાયે સવાલ ઉઠાવ્યો છે કે, 'જ્યારે તમામ પક્ષો અલગ-અલગ બેઠક કરી રહ્યા છે તો NDA ક્યાં છે? એક વાર પણ NDAની બેઠક નથી થઈ.' તેમણે આગળ કહ્યું કે, 'પરસ્પર વાતચીત પણ નથી થતી. વિધાનસભા સત્ર દરમિયાન મુદ્દાઓ અને કામગીરીને લઈને પણ કોઈ ચર્ચા નથી થતી. માત્ર વિધાનસભામાં ધારાસભ્યોની સાથે બેસવાની વ્યવસ્થા હોય છે.' જેડીયુ ધારાસભ્યએ કહ્યું કે, ભાજપે કોઈ એક્ટિવિટી તો બતાવવી જોઈએ ને. ઝારખંડમાં NDA જેવું કંઈ છે જ નહીં. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમે માનો છો કે આનું કારણ ભાજપ વિધાનસભા પક્ષના નેતાની પસંદગીમાં વિલંબ છે, તો તેમણે કહ્યું કે હું આ અંગે કંઈ નહીં બોલીશ. આ ભાજપનો આંતરિક મામલો છે.