ભારત સાથે ઝઘડો કરી ટ્રમ્પે કરી મોટી ભૂલ...', કેનેડાના દિગ્ગજ બિઝનેસમેનની ચેતવણી

August 03, 2025

ભારત પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા 25 ટકા ટેરિફ અને રશિયન ક્રૂડ તથા હથિયાર ખરીદવાની જાહેરાતો પર પ્રતિબંધો મુદ્દે પ્રચલિત બિઝનેસમેન અને ટેસ્ટબેડના ચેરમેન કિર્ક લુબિમોવે ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી છે. લુબિમોવે ટ્રમ્પના આ પગલાંને આત્મઘાતી નીતિ જાહેર કરી છે. તેમણે જણાવ્યું કે, આ પગલું ચીન અને બ્રિક્સને નબળું પાડવા બદલ હાથ ધરાયું છે. જો કે, ભારત સાથે સંબંધોમાં ખટાશ અમેરિકા માટે જ જોખમી બની શકે છે.
કિર્ક લુબિમોવે આજે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી કે, હું અગાઉ પણ કહી ચૂક્યો છું, અને આજે ફરી કહું છે કે, ટ્રમ્પની ટેરિફ નીતિની સૌથી મોટી સમસ્યા એ છે કે, તેમાં જિઓ-પોલિટિકલ વ્યૂહનીતિનો કોઈ ખ્યાલ કે સંદર્ભ લેવામાં આવ્યો નથી. ભારત હાલ વિશ્વની સૌથી ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થાઓ પૈકી એક છે. વડાપ્રધાન મોદીની વૈશ્વિક સ્તરે સૌથી સન્માનીય અને પ્રભાવશાળી નેતાઓની ગણના થાય છે.
તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, અમેરિકાએ ચીનનું વર્ચસ્વ ઘટાડવા માટે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ઘટાડો કરવાની યોજના ધરાવે છે. જેના માટે ભારતને હાથો બનાવવામાં આવ્યો છે. અમેરિકા પોતે 40 સેન્ટનું ટૂથબ્રશ પણ બનાવી શકે તેમ નથી.


કિર્ક લુબિમોવે પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે, આ દેશ લાંબાગાળાનું વિચારે છે. ટ્રમ્પનો ચાર વર્ષનો કાર્યકાળ તેમના માટે માત્ર કામચલાઉ આંચકો છે. અમેરિકાએ કેનેડા જેવા દેશો સાથે આર્થિક સહયોગની નીતિ અપનાવવી જોઈતી હતી ન કે મુકાબલાની...

ચીનની ઈકોનોમીને નબળી પાડવાની વ્યૂહનીતિના ભાગરૂપે અમેરિકા ભારતને નિશાન બનાવી રહ્યું છે. ભારત એકમાત્ર પ્રમુખ દેશ છે, જે ચીનના વિકલ્પ તરીકે ઉભરી શકે છે. અમેરિકાએ ભારત સાથે આ ગેમ રમવાના બદલે કેનેડા સાથે કુદરતી સંસાધનોના પૂરવઠા માટે કેનેડા જેવા દેશો સાથે સહયોગ સાધવો જોઈએ.