અમેરિકન પ્રમુખ તરીકે શપથ લઈ ટ્રમ્પ ભારત આવશે! સલાહકારો સાથે પહેલી બેઠક યોજી

January 19, 2025

અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મજબૂત મિત્રતા છે, તેથી જ તેઓ શપથગ્રહણ બાદ ભારતની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો મુજબ ટ્રમ્પે ભારતની સંભવિત યાત્રા કરવા માટે સલાહકારો સાથે ચર્ચા કરી છે. ટ્રમ્પ નવી દિલ્હીની યાત્રા કરીને બંને દેશોના મજબૂત સંબંધોનો વિશ્વભરને સંદેશો આપવા માંગે છે. અમેરિકાના નવા પ્રમુખ માત્ર ભારતની જ નહીં, ચીનની યાત્રા કરવાની પણ યોજના બનાવી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. તેઓ ચીન સાથે અમેરિકાના બગડેલા સંબંધોને સુધારવા ઈચ્છે છે. તેમણે સંબંધો સુધારવા માટે ચીનનો પ્રવાસ કરવાનો પણ વિચાર કરી રહ્યા છે.
અમેરિકાના નવા પ્રમુખપદનો પદભાર સંભાળ્યા બાદ ટ્રમ્પ ભારત અને ચીનની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ચૂંટણી પ્રચાર કરતી વખતે વધારાનો ટેક્સ લાદવાની ચેતવણી આપી હતી. ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટ મુજબ ‘ટ્રમ્પે સલાહકારોને કહ્યું છે કે, તેઓ શી જિનપિંગ સાથેના સંબંધો સુધારવા માટે પદભાર સંભાળ્યા બાદ ચીનની મુલાકાત લેવા ઈચ્છે છે.’ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન વધારાનો ટેક્સ લાદવાની ચીનને ચેતવણી આપી હતી. તેના રિપોર્ટ મુજબ ‘સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે સલાહકારો સાથે ભારતની સંભવિત યાત્રા અંગે પણ ચર્ચા કરી છે.’ સૂત્રો મુજબ ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર ક્રિસમસ વખતે વોશિંગ્ટન પ્રવાસે ગયા હતા. આ દરમિયાન ટ્રમ્પની ભારત મુલાકાત અંગે ચર્ચા થઈ હતી.