મુંબઈમાં ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી:પુણેમાં વાદળ ફાટતાં 200 ઘરમાં પાણી ભરાયાં

May 26, 2025

દેશનાં 5 રાજ્યમાં ચોમાસું પહોંચી ગયું છે. 24 મેના રોજ કેરળ, કર્ણાટક, તામિલનાડુને આવરી લીધા પછી, 25 મેના રોજ ચોમાસાએ સમગ્ર ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોને આવરી લીધા.

આજે સવારથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે વિઝિબિલિટીમાં ઘણો ઘટાડો થયો છે. સવારે 10 વાગ્યે લોકો પોતાની ગાડીની લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવી રહ્યા છે. વિઝિબિલિટી ઘટવાને કારણે ફ્લાઇટ સેવાઓ પણ અસર થઈ છે.

રવિવારે, 35 વર્ષ પછી મહારાષ્ટ્રમાં ચોમાસું સમય પહેલાં પહોંચ્યું. સામાન્ય રીતે ચોમાસુ 5 જૂનની આસપાસ રાજ્યમાં એન્ટ્રી કરે છે. આ વખતે તે 10 દિવસ વહેલું આવી ગયું. આ પહેલા 1990માં 20મી મેના રોજ પહોંચ્યું હતું.

પશ્ચિમ મહારાષ્ટ્રમાં ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે. રવિવારે પુણે જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. પુણે-સોલાપુર હાઇવે પર પાટાસ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની. આના કારણે ઘણી નદીઓ અને નાળા અચાનક છલકાઈ ગયા.

અનેક વાહનો તણાઈ ગયા, ટ્રેક્ટર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પુણેના બારામતી અને ઇન્દાપુરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અહીં NDRFની 2 ટીમો બચાવ માટે તહેનાત કરવામાં આવી છે.

પુણેના બારામતીમાં 83.6મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે ઇન્દાપુરમાં 35.7 મીમી વરસાદ નોંધાયો હતો. ઇન્દાપુરના 70 ગામોમાં બારામતીના 150 ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.

તેમજ, આજે યુપીના 27 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 15 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે નૌતાપાના 9 દિવસમાં એક પણ દિવસ લુ ફુંકાશે નહીં. નૌતાપાના પહેલા દિવસે 20 જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો.

 

કેરળમાં ભારે વરસાદ ચાલુ છે. ત્રિશૂરમાં ચાલતી ટ્રેન પર એક ઝાડ પડ્યું. કોઝિકોડમાં સ્કૂટર ચલાવતી વખતે એક વ્યક્તિ પર ઝાડ પડવાથી તેનું મોત થયું. કોડંચેરીમાં કરંટ લાગતા ભાઈ-બહેનોનાં મૃત્યુ થયાં. રાજ્યના 9 જિલ્લામાં શાળાઓ અને કોલેજો બંધ છે.

ઉત્તરી પલક્કડ જિલ્લામાં 40 ઘરને નુકસાન થયું હતું, જેમાંથી ચાર સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. વાયનાડના પદિનજરથારામાં ઘણા પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. 28 સભ્યોની NDRF ટીમ વાયનાડ પહોંચી ગઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશમાં બે ચક્રવાતી પરિભ્રમણ અને એક ટ્રફને કારણે હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. આ કારણે આગામી 4 દિવસ સુધી આંધી અને વરસાદનું એલર્ટ છે.

ભારત સરકાર આજે એડવાન્સ ભારત ફોરકાસ્ટ સિસ્ટમ (BFS) લોન્ચ કરશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ તેને રાષ્ટ્રને સોંપશે. આ સિસ્ટમનો ઉપયોગ આપત્તિ વ્યવસ્થાપન, કૃષિ, પાણી વ્યવસ્થાપન અને જાહેર સલામતીમાં પંચાયત સ્તર સુધી મદદ કરશે.

BFS સિસ્ટમ પહેલા કરતાં વધુ સચોટ અને મિનિટ-થી-મિનિટ હવામાન માહિતી પૂરી પાડશે. તે પુણે ખાતે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ અને ટ્રોપિકલ મેટ્રોલોજિકલ (IITM) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

BFS સિસ્ટમ 6 KMના રિઝોલ્યુશન પર હવામાનની આગાહી કરશે, જે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. આ વરસાદ અને વાવાઝોડા જેવી નાની હવામાન ઘટનાઓને પહેલા કરતાં વધુ સચોટ રીતે જાણવામાં મદદ કરે છે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ સચિવ, એમ રવિચન્દ્રને જણાવ્યું કે હવે હવામાન આગાહીઓ પહેલા કરતાં વધુ સ્થાનિક અને સચોટ હશે.

તેમણે જણાવ્યું કે પહેલા સુપર કોમ્પ્યુટર પ્રત્યુષનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે નવા સુપર કોમ્પ્યુટર આર્કાનો ઉપયોગ કરવામાં આવશે. પ્રત્યુષને હવામાન મોડેલ ચલાવવામાં 10 કલાક લાગતા હતા, જ્યારે આર્કા ફક્ત 4 કલાકમાં કામ પૂર્ણ કરે છે. આ સિસ્ટમ 40 ડોપ્લર રડારમાંથી ડેટા લે છે અને ભવિષ્યમાં તેને 100 રડાર સુધી વિસ્તૃત કરવામાં આવશે. આનાથી 2 કલાક સ્થાનિક આગાહી શક્ય બનશે.