'ભારત-પાકિસ્તાન પર અમારી દરરોજ નજર હોય છે', : અમેરિકા

August 18, 2025

રવિવારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે, 'ભારત અને પાકિસ્તાન વચ્ચે જે કંઈ થઈ રહ્યું છે, તેના પર અમેરિકા દરરોજ નજર રાખે છે. આ સાથે જ અમેરિકા ભારત-પાકિસ્તાન સાથે અન્ય એવા વૈશ્વિક વિસ્તારોની સ્થિતિ પર પણ દરરોજ નજર રાખે છે, જ્યાં તણાવની સ્થિતિ છે.' રુબિયો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં થયેલી મુલાકાત પછી યુક્રેન-રશિયા યુદ્ધમાં સીઝફાયરના પડકારો વિશે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, 'યુદ્ધવિરામનો એકમાત્ર રસ્તો એ છે કે બંને પક્ષો એકબીજા પર ગોળીબાર કરવાનું બંધ કરવા માટે સહમત થાય, પરંતુ રશિયા હજુ સુધી આ માટે સહમત થયું નથી.' પીટીઆઈના અહેવાલ મુજબ, અમેરિકાના વિદેશ મંત્રીએ જણાવ્યું કે, 'સીઝફાયર જાળવી રાખવું ખૂબ મુશ્કેલ છે. અમે ભારત-પાકિસ્તાન અને કંબોડિયા-થાઈલેન્ડ વચ્ચેના સંઘર્ષો પર નજર રાખીએ છીએ. દુશ્મનાવટ ચાલુ હોય ત્યારે વાતચીત મુશ્કેલ છે. તેમજ સીઝફાયર જલ્દી તૂટી શકે છે, આ વાત ખાસ કરીને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષો બાબતે સાચી પડે છે, જે સાડા ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે. તેથી અમેરિકા કાયમી યુદ્ધવિરામ કરતાં રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરાર કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.' આ સાથે જ ઈન્ટરવ્યૂમાં રુબિયોએ ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સૈન્ય સંઘર્ષનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 'આપણે નસીબદાર છીએ કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિ સ્થાપિત કરવાને પ્રાથમિકતા આપે છે. તેમણે કંબોડિયા-થાઇલેન્ડ, ભારત-પાકિસ્તાન, રવાંડા-ડીઆરસીમાં શાંતિ જાળવવા પ્રયાસ કર્યો છે. આપણે દુનિયામાં શાંતિ લાવવા માટે દરેક તકનો ઉપયોગ કરતા રહીશું.'