દેશભરમાં હવામાનમાં પલટો, દિલ્હીથી યુપી સુધી વાદળછાયુ વાતાવરણ

March 18, 2023

ઉનાળાની વચ્ચે દેશભરમાં હવામાનમાં પલટો આવ્યો છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો સહિત અનેક રાજ્યોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. દિલ્હીથી લઈને યુપી સુધી દેશના અનેક રાજ્યોમાં આગામી થોડા દિવસો સુધી ગરમીથી રાહત મળશે.

પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ચંદીગઢમાં 18 થી 20 માર્ચ દરમિયાન વરસાદી ગતિવિધિઓ જોવા મળશે. પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં પણ વરસાદની શક્યતા છે. દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આજે સવારે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદ સહિત આસપાસના ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી.

બીજી તરફ, દિવસભર દિલ્હીના કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે - અક્ષરધામ, પાલમ, સફદરજંગ, લોદી રોડ, વસંત વિહાર, આરકે પુરમ, ઇગ્નૂ, આયાનગર, દેરામંડી. હરિયાણાના યમુનાનગર, નરવાના, બરવાળા, સહારનપુર, દેવબંદ, નજીબાબાદ, કાંધલા, બિજનૌર, હસ્તિનાપુર અને ઉત્તર પ્રદેશના ચાંદપુરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે એટલે કે 18 માર્ચના રોજ સવારે પવન સાથે ઝરમર ઝરમર વરસાદ પડયો હતો. જેના કારણે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે લઘુત્તમ તાપમાન 16 અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાઈ શકે છે. તે જ સમયે, દિલ્હીમાં દિવસભર ગાજવીજ સાથે વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે. 19 અને 20 માર્ચે પણ વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેવાની ધારણા છે. 21મી માર્ચથી દિલ્હીમાં વરસાદ બંધ થઈ શકે છે.