ભારત આવશે ડોનાલ્ડ ટ્રમ્પ? દિલ્હીમાં કાર્યભાર સંભાળતા જ સર્જિયો ગોરનું ટ્રેડ ડીલ અંગે મોટું નિવેદન

January 12, 2026

ભારત-અમેરિકાના વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરતા, ભારતમાં અમેરિકાના નવનિયુક્ત રાજદૂત સર્જિયો ગોરે બંને દેશોની ભાગીદારી અને નેતાઓની મિત્રતા પર મોટું નિવેદન આપ્યું છે. પદ સંભાળ્યા બાદ સર્જિયો ગોરે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચેના સંબંધોને અત્યંત ગાઢ ગણાવતાં કહ્યું કે, 'ટ્રમ્પ અને પીએમ મોદીની મિત્રતા માત્ર દેખાડો નથી પણ એકદમ 'રિયલ' છે.' તેમણે પીએમ મોદીને ટ્રમ્પના 'ડિયર ફ્રેન્ડ' તરીકે સંબોધ્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે પરસ્પર અતૂટ વિશ્વાસ અને સન્માનની ભાવના છે. આ સાથે જ સર્જિયો ગોરે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે, 'અમેરિકાના નેતૃત્વ હેઠળની નવી વૈશ્વિક પહેલ 'પેક્સ સિલિકા'(Pax Silica)માં ભારતને પૂર્ણ સભ્ય તરીકે જોડાવા માટે આગામી મહિને સત્તાવાર આમંત્રણ આપવામાં આવશે.' 'પેક્સ સિલિકા'એ અમેરિકા દ્વારા ગત મહિને શરુ કરવામાં આવેલી એક અત્યાધુનિક વ્યૂહાત્મક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI), ઍડ્વાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં સુરક્ષિત અને નવીન સપ્લાય ચેઇન તૈયાર કરવાનો છે. જાપાન, દક્ષિણ કોરિયા, યુકે અને ઈઝરાયલ જેવા દેશો બાદ હવે ભારત પણ આ ગ્રૂપમાં સામેલ થવા જઈ રહ્યું છે, જેને ટૅક્નોલૉજી અને સપ્લાય ચેઇન ક્ષેત્રે ભારત માટે એક મોટી સફળતા અને વ્યૂહાત્મક જીત માનવામાં આવી રહી છે. ભારતમાં નવનિયુક્ત એમ્બેસેડર સર્જિયો ગોરે આજે દિલ્હીમાં કાર્યભાર સંભાળ્યો. જે બાદ તેમણે સંબોધનમાં ભારત અને અમેરિકાના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, કે ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી શકે છે. સાચા મિત્રો વચ્ચે ઘણીવાર મતભેદો થતા હોય છે પણ તેનું વહેલી તકે સમાધાન આવશે. ગોરે વધુમાં કહ્યું, કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને આવતીકાલે ફરીથી વાતચીત થશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ PM મોદીને 'સાચા મિત્ર' માને છે.