વિધાનસભા ચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા ભાજપના 12 સાંસદોએ આપ્યા રાજીનામાં

December 06, 2023

નવી દિલ્હી:  પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ બીજેપીએ આજે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણીમાં જે સાંસદો જીતીને આવ્યા છે તેમણે સંસદની સદસ્યતાથી રાજીનામું આપી દીધુ છે. આજે એવા 12 સાંસદોએ રાજીનામું સોંપી દીધુ છે. 

ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવી છે. જ્યારે તેલંગાણામાં આઠ બેઠકો પર જીત મેળવી છે. બીજેપીએ ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં 21 સાંસદોને ટિકિટ આપી હતી. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સાત-સાત સાંસદોએ ચૂંટણી લડી હતી. બીજી તરફ છત્તીસગઢમાં ચાર અને તેલંગાણામાં ત્રણ સાંસદોને વિધાનસભામાં ટિકિટ આપવામાં આવી હતી.

હવે બીજેપી હાઈકમાન્ડે વિધાનસભા ચૂંટણી જીતેલા સાંસદો સાથે મુલાકાત કરી અને સંસદ સદસ્યતા છોડવાનો નિર્ણય લીધો છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે તમામ સદસ્યો રાજીનામું આપવા માટે સ્પીકર સાથે મુલાકાત કરવા પહોંચ્યા છે.


રાજસ્થાન માંથી કોણે આપ્યુ રાજીનામું

- રાજ્યવર્ધન રાઠોડ

- દીયા કુમારી

- કિરોડી લાલ મીણા (રાજ્યસભા સદસ્ય)

મધ્ય પ્રદેશ

- નરેન્દ્ર તોમર

- પ્રહલાદ પટેલ

- રાકેશ સિંહ

- રીતિ પાઠક

- ઉદય પ્રતાપ સિંહ

છત્તીસગઢ

- ગોમતી સાઈ

- અરૂણ સાવ 

મોદી કેબિનેટમાં ત્રણ મંત્રી ઓછા થઈ જશે.

રાજીનામું આપનારાઓમાં પ્રહલાદ પટેલ અને નરેન્દ્ર તોમર કેન્દ્રીય મંત્રી છે. બીજી તરફ છત્તીસગઢના સાંસદ અને કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહ પણ રાજીનામું આપશે. આમ કેન્દ્રીય કેબિનેટમાં ત્રણ મંત્રીઓ ઓછા થઈ જશે. આ ઉપરાંત રાજસ્થાનના સાંસદ બાબા બાલકનાથ પણ રાજીનામું આપશે. રાજીનામું આપનારા સાંસદોની સંખ્યા 12 હોવાનું કહેવાય છે.

બીજી તરફ ભાજપના સૂત્રોનું કહેવું છે કે, ટૂંક સમયમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ઓબ્ઝર્વર મોકલવામાં આવશે. આજેસાંજ સુધીમાં અથવા કાલે સવારે નિરીક્ષકો દિલ્હીથી રવાના થશે. ત્રણેય રાજ્યોમાં શનિવાર અને રવિવારે ધારાસભ્ય દળની બેઠક યોજાશે. તેમાં મુખ્યમંત્રીઓના નામનું એલાન કરવામાં આવશે.

રાજીનામું આપ્યા બાદ કેન્દ્રીય મંત્રી પ્રદલાદ પટેલે કહ્યું કે, મેં સંસદના સભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે. ટૂંક સમયમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દઈશ.