પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય

May 09, 2025

 ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે પાકિસ્તાને ગુરુવારે (8 મે, 2025) જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ હુમલામાં કોઈ પણ પ્રકારે ભારતને નુકસાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું જણાવવામાં આવ્યું હતું. 

રક્ષા મંત્રાલયે કહ્યું કે, 'આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરના સેનાના સ્ટેશનોને પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોને નિશાનો બનાવ્યો હતો. પરંતુ તમામ મિસાઈલ હવામાં જ નિષ્ક્રિય કરી દેવાઈ હતી. જેમાં કોઈ  પણ પ્રકારે ભારતમાં નુકસાન થયુ ન હતું. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ અનુસાર તમામ જોખમોનો નાશ કરવામાં આવ્યો હતો.' ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે 8 મેની સાંજે પઠાણકોટ, અમૃતસર, જલંધર, હોશિયારપુર, મોહાલી અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ સહિત પંજાબના અનેક જિલ્લાઓમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું 

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં શ્રીનગર સહિત પંજાબ અને રાજસ્થાનમાં પણ સાઈરન વગાડવામાં આવ્યું હતું અને નાગરિકોને ઘરની બહાર ન નીકળવા માટે નિર્દેશ કરવામાં આવ્યો હતો. 

આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી અને એનએસએસ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) માર્કો રુબિયો સાથે વાતચીત કરી છે. તેમણે X પર લખ્યું છે કે, ‘8 મેની સાંજે માર્કો રુબિયો સાથે વાત થઈ છે. આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સહકાર આપવાની અમેરિકાની પ્રતિબદ્ધતાની ખૂબ પ્રશંસા કરું છું. તેમણે સરહદ પારના આતંકવાદ સામે ભારતના લક્ષિત અને સંતુલિત પ્રતિક્રિયા પર ભાર મૂક્યો છે. ’