પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા

May 09, 2025

ભારત-પાકિસ્તાનની સરહદ પર ભારે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. અહીં ભારતીય સેનાએ પાકિસ્તાનનું એક એફ-16 ફાઇટર જેટ તોડી પાડ્યું છે. સેના પાકિસ્તાનના ડ્રોન હુમલાનો પણ સતત જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાને આજે જમ્મુ સ્થિત એરસ્ટ્રીપ પર રૉકેટ ઝિંકવાનો પ્રયાસ કર્યો છે, જોકે ભારતીય સેનાની સિસ્ટમે તેને સંપૂર્ણ નિષ્ફળ બનાવી છે.

મળતા અહેવાલો મુજબ, ભારતીય સેનાએ અત્યાધુનિક એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી તુરંત કાર્યવાહી કરીને પાકિસ્તાનની 8 મિસાઇલ હવામાં જ નષ્ટ કરી નાંખી છે. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાને જમ્મુ એરસ્ટ્રીપ પર મિસાઇલ ઝિંકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સેનાએ વળતો જવાબ આપીને નુકસાન ટાળ્યું છે.

એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે, ભારતીય સેનાની એર ડિફેન્સ યુનિટે નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાનનું એફ-16 ફાઇટર જેટ તોડી પાડ્યું છે. પાકિસ્તાની જેટે ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સેનાએ તેની નાપાક હરકતને નિષ્ફળ બનાવી છે.

1સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાન દ્વારા ભારતીય સરહદમાં સતત ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કે. જી. ટૉપ વિસ્તારમાં પણ ડ્રોન જોવા મળ્યા હતા. જોકે સેનાએ આ તમામ ડ્રોન તોડી પાડી હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.