સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા

May 07, 2025

પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઓપરેશન સમગ્ર દેશ માટે ગર્વની પળ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, સેનાએ ઉત્કૃષ્ટ રીતે કામગીરી નિભાવી છે, આ આખા દેશ માટે ગર્વની પળ છે. ભારતીય સેનાએ ગત મોડી રાત્રે 25 મિનિટમાં જ પાકિસ્તાન અને POK સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણાં ઉડાડી દીધા હતા. જેમાં 90 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર મસૂદ અઝહરના આખા પરિવારનો સફાયો થયો છે. તેના પરિવારના કુલ 14 લોકો માર્યા ગયા છે. ઓપરેશન સિંદૂર બાદ કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન મોદીએ આ નિવેદન આપ્યું હતું. તેમણે ભારતીય સેનાની ત્રણેય પાંખોને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, તમે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, આખા દેશને તમારા પર ગર્વ છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ હુમલાનો બદલો લેવા હાથ ધરેલા ઓપરેશનને સિંદૂર નામ આપ્યું હતું. આ નામ પહલગામ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોને અને તેમની પત્નીઓને સમર્પિત હતું. તેમને ન્યાય આપવાના ઈરાદે ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતું.