જમ્મુ-કાશ્મીરના રામબનમાં 300 કરોડનું કોકેન ઝડપાયું, પંજાબના બે શખ્સ ઝડપાયા

October 02, 2023

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં પોલીસે માદક પદાર્થોની દાણચોરી સંબંધિત એક આતંકી (નાર્કો-ટેરર) મોડયુલનો ભાંડો ફોડીને એક વાહનમાંથી 30 કિલોગ્રામ કોકેન જપ્ત કર્યુ છે. જપ્ત કરાયેલા કોકેનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પોલીસના સિનિયર અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી.

અધિકારીઓના અનુસાર જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય હાઇવેની નજીક આવેલા બનિહાલ વિસ્તારમાં કોકેન જપ્ત કરવાની સાથે જ પોલીસે પંજાબના બે નિવાસીઓની ધરપકડ પણ કરી છે. શનિવારે રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે જ્યારે સિનિયર પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મોહિત શર્માના નેતૃત્વ હેઠળ રામબન પોલીસે કાશ્મીરથી જમ્મુ આવી રહેલા એક વાહનને બનિહાલ રેલવે ચોક પાસે રોક્યું હતું.

વાહનની તલાશી દરમિયાન તેમાંથી 30 કિલોગ્રામ કોકેન જપ્ત કરાયું હતું. જપ્ત કરાયેલા માદક પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 300 કરોડ રૂપિયા છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ સંબંધમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. કોકેન જપ્ત થવાની સાથે જ પોલીસે માદક પદાર્થોની દાણચોરી સાથે સંડોવાયેલા આતંકી મોડયૂલનો પણ પર્દાફાશ કર્યો છે. સિંહે વધુમાં ઉમેર્યુ હતું કે બનિહાલ પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.