વિધ્નહર્તાનો 360 કરોડનો વીમો, 66 કિલો સોનું પહેરી બન્યા સૌથી ધનિક

September 20, 2023

આખું મહારાષ્ટ્ર રાજ્ય દસ દિવસ સુધી ગણેશભક્તિમાં લીન થયું છે. મુંબઈ તો જાણે ગણેશમય થયું હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. જુદા જુદા પંડાલમાં ગણેશજી બેસી ગયા છે. સવારે પૂજા, સાંજે આરતી અને બપોરે ભોગ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. પંડાલમાં દર્શન કરવા માટે લોકો લાઈન લગાવી રહ્યા છે. માત્ર મહારાષ્ટ્રમાંથી જ નહીં બીજા રાજ્યમાંથી પણ ભાવિકો દર્શન કરવા માટે મુંબઈ સહિત મહારાષ્ટ્રના મહાનગરમાં પહોંચ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ પંડાલમાં જુદી જુદી થીમ જોવા મળી રહી છે. મુંબઈના લાલબાગ ચા રાજાના પંડાલમાં પારંપરિક થીમ જોવા મળી છે.

જો એવું માનવામાં આવે કે લાલબાગ ચા રાજા મુંબઈના સૌથી ધનિક ગણપતિ છે તો એ વાત ખોટી છે. મુંબઈમાં રહેતા એક સારસ્વત બ્રાહ્મણે સૌથી અમીર ગણપતિની સ્થાપના કરી છે. 15 ફૂટના ગણપતિની મૂર્તિને 66 કિલોના સોનાના ઓર્નામેન્ટ અર્પણ કરાયા છે. જ્યારે 295 કિલોના ચાંદીના દાગીના પહેરાવવામાં આવ્યા છે. એટલું જ નહીં બાપા માટે ચાંદીનું સિંહાસન પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં બાપા બિરાજમાન થયા છે. જીએસબી સેવા મંડળના સભ્યો એ આ ગણપતિનો વીમો પણ કરાવી લીધો છે. જ્યારે બાપાની સુરક્ષા માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

સેવા મંડળના ચેરમેને જણાવ્યું હતું કે, 360.40 કરોડ રૂપિયાનો ગણેશમંડળનો વીમો છે. 360 કરોડ રૂપિયામાંથી 38.47 કરોડ રૂપિયા એ રીસ્ક ઈન્સ્યોરન્સ પોલીસી છે. 2 કરોડ રૂપિયા આગ અને ભૂકંપ જેવી હોનારત સામેના છે. 30 કરોડ રૂપિયાનું સાર્વજનિક કવર છે. પંડાલ ભાવિકોની સુરક્ષા માટે છે. જોકે, આ ગણપતિને જોવા માટે અનેક વિસ્તારમાંથી ભાવિકો આવ્યા છે. પંડાલમાં સારૂ એવું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે.