ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારંભમાં આવેલા મહેમાનો ઉપર દિવાલ ધરાશાયી થતા 4ના મોત, 14 ઇજાગ્રસ્ત

December 08, 2023

દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં લગ્ન સમારંભમાં આવેલા મહેમાનો ભોગ બન્યા

મઉ- ઉત્તરપ્રદેશના મઉના ઘોસીનગરમાં દિવાલ ધરાશાયી થવાની મોટી દુર્ઘટના બની છે. અસ્કરી સ્કૂલ નજીક બનેલી ઘટનામાં 4 લોકોના મોત થયા છે, જેમાં માસુમ અને મહિલાઓ ભોગ બની હોવાનું કહેવાય છે. ઘટનામાં 14 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. એવું કહેવાય છે કે, અહીં લગ્ન સમારંભ ચાલી રહ્યો છે અને ભોગ બનેલા લોકો લગ્ન સમારંભમાં આવેલા મહેમાનો છે. હાલ ઈજાગ્રસ્તોને તુરંત આજમગઢની હોસ્પિટલ લઈ જવાયા છે. 


મળતા અહેવાલો મુજબ ઉત્તરપ્રદેશના મઉના ઘોસીનગરમાં આજે એક લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો. અહીં મોટી સંખ્યામાં મહેમાનો આવ્યા હતા. જોકે આ દરમિયાન અચાનક અસ્કરી સ્કૂલ નજીક દરગાહની દિવાલ ધરાશાયી થતાં ભારે નાસભાગ મચી હતી. દિવાલ ધરાશાયી થતાં અનેક લોકો નીચે દબાઈ ગયા હતા. આ ઘઠનામાં 4 લોકોના મોત નિપજ્યા હોવાની માહિતી મળી છે, ઉપરાંત 14 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. સૂચનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને એમ્બ્યુલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઈજાગ્રસ્તોને તુરંત આજમગઢની હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના સ્થળે અધિકારીઓ અને જેસીબીની ટીમ પણ હાજર છે. હાલ જેસીબી દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.