નવા પોપ બનવા માટે 5 ચેહરાના નામ સૌથી આગળ

April 22, 2025

ખ્રિસ્તીઓના સૌથી મોટા ધાર્મિક ગુરૂ પોપ ફ્રાન્સિસે 88 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. વેટિકન સીટીમાં તેમને દુનિયાને અલવિદા કહ્યું છે. પોપ ફ્રાન્સિસે 12 વર્ષ સુધી કેથોલિક ચર્ચનું નેતૃત્વ કર્યું. માર્ચ 2013માં જ્યારે તેમના પુરોગામી પોપ બેનેડિક્ટ સોળમાએ રાજીનામું આપ્યું ત્યારબાદ તેઓ પોપ બન્યા હતા.

1. કાર્ડિનલ પીટ્રો પેરોલિન: વેટિકનમાં એક મોટું નામ કાર્ડિનલ પીટ્રો પેરોલિનનું છે, જેમને છેલ્લા દાયકાથી પોપ ફ્રાન્સિસના સૌથી વિશ્વસનીય સહાયકોમાંના એક ગણવામાં આવે છે. રાજ્ય સચિવ તરીકે તેમણે 2013થી વેટિકન રાજદ્વારી અને વહીવટનું નેતૃત્વ કર્યું છે. તેમની ઉંમર 70 વર્ષ છે. તેઓ ઈટાલીના વેનેટો વિસ્તારના છે અને આ વર્ષના પોપ ચૂંટણી સંમેલનમાં સૌથી ઉચ્ચ ક્રમાંકિત કાર્ડિનલ છે. 2014માં તેમને કાર્ડિનલના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું હતું.

2. કાર્ડિનલ પીટર એર્ડો: કેથોલિક ચર્ચમાં પીટર એર્ડો એક એવું નામ છે જે તેમના રૂઢિચુસ્ત અને પરંપરાગત વિચારો માટે જાણીતા છે. તેમની ઉંમર 72 વર્ષ છે. 2003માં પોપ જોન પોલ IIએ તેમને કાર્ડિનલ બનાવ્યા. તેઓ યુરોપના બિશપ્સ કોન્ફરન્સ કાઉન્સિલના ભૂતપૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને કેથોલિક પરંપરાઓના કટ્ટર સમર્થક માનવામાં આવે છે. તે છૂટાછેડા લીધેલા અને ફરીથી લગ્ન કરેલા કેથોલિકોને હોલી ફૂડનો અધિકાર આપવા માગતા નથી.

3. કાર્ડિનલ માટ્ટેઓ ઝુપ્પી: કેથોલિક ચર્ચના સૌથી પ્રગતિશીલ અને પ્રભાવશાળી ચહેરાઓમાંના એક છે. તેમને પોપ ફ્રાન્સિસના સૌથી પ્રિય નેતાઓમાંના એક માનવામાં આવે છે. હાલમાં તેમની ઉંમર 69 વર્ષ છે. તેઓ 2022થી ઈટાલિયન એપિસ્કોપલ કોન્ફરન્સના પ્રમુખ છે અને 2019માં પોપ ફ્રાન્સિસ દ્વારા તેમને કાર્ડિનલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે જ નહીં, પરંતુ ચર્ચમાં પણ ઝુપ્પીને સમાવિષ્ટતા અને સંવાદના હિમાયતી તરીકે ઓળખવામાં આવે છે.

4. કાર્ડિનલ રેમન્ડ બર્ક: આ 70 વર્ષીય કાર્ડિનલ રેમન્ડ બર્ક કેથોલિક ચર્ચના સૌથી રૂઢિચુસ્ત ચહેરાઓમાંના એક છે. 2010માં તેમને પોપ બેનેડિક્ટ સોળમા દ્વારા કાર્ડિનલ બનાવવામાં આવ્યા હતા. તેમણે પોપ ફ્રાન્સિસની સુધારાવાદી નીતિઓ પર અનેકવાર પ્રહારો કર્યા છે. તેમણે ખુલ્લેઆમ પોતાની અસહમતિ વ્યક્ત કરી છે, ખાસ કરીને છૂટાછેડા લીધેલા અને પુનર્લગ્ન કરનારા યુગલોને હોલી ફૂડની મંજૂરી આપવાના મુદ્દા પર ખુલ્લેઆમ અસહમતિ વ્યક્ત કરી હતી.

5.કાર્ડિનલ લુઈસ એન્ટોનિયો ટેગલ: લુઈસ એન્ટોનિયો 67 વર્ષના છે, જો તેઓ પોપ તરીકે ચૂંટાશે તો તેઓ ઈતિહાસમાં પ્રથમ એશિયન પોપ બની શકે છે. 2012માં પોપ બેનેડિક્ટ XVI દ્વારા તેમને કાર્ડિનલ બનાવવામાં આવ્યા હતા. ટેગલ ચર્ચના સૌથી પ્રગતિશીલ નેતાઓમાંના એક તરીકે પ્રતિષ્ઠા ધરાવે છે. તેમને પોપ ફ્રાન્સિસની નીતિઓ અને વિચારસરણીની નજીક માનવામાં આવે છે. ખાસ કરીને જ્યારે વાત LGBTQ સમુદાય, અપરિણીત માતાઓ અને છૂટાછેડા લીધેલા કેથોલિકોની આવે તો તેઓએ ચર્ચની કઠોર ભાષા અને ભેદભાવપૂર્ણ વલણ પર ખુલ્લેઆમ પ્રશ્ન ઉઠાવ્યા છે.