પ્રજાસત્તાક દિવસ પૂર્વે 5 ગુજરાતીઓને પદ્મ શ્રી એવોર્ડ મળશે

January 25, 2026

ગાંધીનગર : પ્રજાસત્તાક દિવસ પૂર્વે કેન્દ્ર સરકારે આજે રવિવારે (25 જાન્યુઆરી) પદ્મ પુરસ્કારો 2026ની જાહેરાત કરી, જેમાં કુલ 113 લોકોને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરાશે. 5 ગુજરાતી મીર હાજીભાઈ કાસમભાઈ, નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, અરવિંદ વૈદ્ય, રતિલાલ બોરીસાગર, ધાર્મિકલાલ ચુનીનાલ પંડયાને પણ કલા અને સામાજિક ક્ષેત્રે સેવા બદલ પદ્મ શ્રી મળશે. 

5 ગુજરાતીઓને પદ્મ શ્રીનું મળશે સન્માન

1: અરવિંદ વૈદ્ય, આર્ટ

2: રતિલાલ બોરીસાગર, સાહિત્ય

3: ધાર્મિકલાલ પંડ્યા, સંગીત ક્ષેત્ર

4: હાજી રમકડું, આર્ટ

5:  નીલેશ માંડલેવાલા, સામાજિક કાર્ય 

અનુપમાના પ્રખ્યાત પાત્ર  'બાપુજી' એટલે કે અરવિંદ વૈદ્યને મળશે પદ્મશ્રી

મહારાષ્ટ્રના સતારા જિલ્લાના મસૂર ગામમાં જન્મ, અનુપમા સિરિયલમાં 'બાપુજી'નું પાત્ર નિભાવી ઘરે ઘરે જાણીતા થયા, તેમણે કલાક્ષેત્ર પદ્મશ્રીનું સન્માન મળશે, તેઓ નવી ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ-દિગ્દર્શક છે.  પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ અમદાવાદ ખાતે કરી ગુજરાત યુનિવર્સિટીમાંથી  ડિપ્લોમા તો એચ. કે. આર્ટ્સ કૉલેજના નાટ્યવિભાગમાં છ વર્ષ વ્યાખ્યાતા તરીકે કામ કર્યું, બે વર્ષ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીમાં પ્રૉજેક્ટ ઑફિસર તરીકે તો છ વર્ષ અમદાવાદના પ્રેમાભાઈ હોલના મૅનેજર તરીકે તથા પાંચ વર્ષ ઇસરોમાં નિર્માતા તરીકે સેવાઓ આપી છે. ‘દિવા જળૂં દે સારી રાત’ મરાઠી નાટક અને ‘નિશાચર’ ગુજરાતી નાટકમાં અભિનય થકી સન 1966માં રંગભૂમિક્ષેત્રે પગરવ કર્યો.  છેલ્લાં 40 વર્ષમાં તેમણે 130 કરતાં પણ વધારે ગુજરાતી નાટકો, 12 મરાઠી નાટકો, તથા એક હિંદી નાટકમાં અભિનય કર્યો છે તથા 5 મરાઠી નાટકો, 100 ઉપરાંતનાં ગુજરાતી નાટકો તથા 01 હિંદી નાટકનું દિગ્દર્શન કર્યું છે.