અસલાલીમાં 6 બાંગ્લાદેશી ઝડપાયા, ચંડોળા તળાવના દબાણ હટતા નાજ ગામમાં છુપાયા

January 25, 2026

સતખીરા સરહદથી ચોરીછૂપીથી ચાલીને ભારતમાં પ્રવેશ્યા 

અમદાવાદ : અમદાવાદમાં અસલાલી પોલીસે નાજ ગામની સીમમાંથી ગેરકાયદે રીતે રહેતા 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા શખસોમાં 3 બાળકો અને 3 પુખ્ત વયના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ તમામ શખસો કોઈપણ માન્ય આધાર પુરાવા વગર ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી છેલ્લા દસ વર્ષથી અમદાવાદમાં વસવાટ કરી રહ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


અસલાલી પોલીસની ટીમ જ્યારે બારેજાના નાજ ગામમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે વાડી વિસ્તારમાં આવેલ જલ્પેસ દેસાઈના બોર પર રહેતા કેટલાક વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે તપાસ કરતા ત્યાંથી કાલોન સોલેમાન મોલ્લા, મોહમ્મદ અરાફત મોલ્લા અને રીબાખાતુન મોલ્લા મળી આવ્યા હતા. તેમની સાથે ત્રણ નાના બાળકો પણ હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ તમામ મૂળ બાંગ્લાદેશના ખુલના જિલ્લાના વતની છે.


પૂછપરછમાં વિગતો સામે આવી છે કે, તેઓ બાંગ્લાદેશની સતખીરા સરહદ પરથી ચોરીછૂપીથી ચાલીને ભારતના બાસીરહાટમાં પ્રવેશ્યા હતા. ત્યાંથી ટેક્સી દ્વારા કોલકાતા અને ત્યારબાદ ટ્રેન મારફતે અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. આ શખસો છેલ્લા દસ વર્ષથી ચંડોળા તળાવ વિસ્તારમાં ઝૂંપડા બાંધીને રહેતા હતા. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવના દબાણો હટાવવામાં આવતા, તેઓ ત્યાંથી ભાગીને આશરે અઢી મહિના પહેલા નાજ ગામની સીમમાં મજૂરી કામ અર્થે રહેવા આવી ગયા હતા. તપાસ કરતા તેમની પાસે ભારતીય નાગરિક હોવા અંગેનો કોઈ જ પુરાવો મળી આવ્યો નહોતો.