શેરબજારમાં 700 પોઇન્ટનો કડાકો, ડોલર સામે રૂપિયો 87 નીચે રેકોર્ડ તળિયે

February 03, 2025

શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. ઉપરાંત ડોલર સામે રૂપિયો તૂટીને 87 નીચે ઓલ ટાઇમ લો થયો છે. શેરબજારમાં કડાકો અને રૂપિયા રેકોર્ડ લો થતા રોકાણકારોમાં ગભરાટનો ફેલાયો છે. સોમવારે સેન્સેક્સ 700 પોઇન્ટ અને નિફ્ટી 250 પોઇન્ટથી વધુ તૂટ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા મેક્સિકો અને ચીન પર ભારે ટેરિફ લાદયું છે. હવે ભારત પર ટેરિફ લાદશે તેવી આશંકાથી માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સોમવારે મોટા ઘટાડે ખૂલ્યા હતા. બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 77505 સામે આજે 77063 ખુલ્યો હતો. જો કે બ્લુચીપ શેરમાં વેચવાલીથી સેન્સેકસ 700 પોઇન્ટ તૂટ્યો અને નીચામાં 76756 સુધી ગયો હતો. 1 ફેબ્રુઆરી 2025 બજેટ દિવસે સેન્સેક્સ નિફ્ટી મોટી વધઘટના અંતે ફ્લેટ બંધ થયા હતા. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23482 સામે સોમવારે 23319 ખુલ્યો હતો. નિફ્ટી 250 પોઇન્ટના ઘટાડે 23222 લેવલ સુધી ઘટ્યો હતો. બેંક શેરમાં વેચવાલીથી બેંક નિફ્ટી 450 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 260 પોઇન્ટથી વધુ ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યો છે.

ડોલર સામે રૂપિયો 87 નીચે રોકર્ડ લો
ડોલર સામે રૂપિયો 87 નીચે રેકોર્ડ લો થયો હતો. 3 ફેબ્રુઆરી 2025ના રોજ ડોલર સામે રૂપિયો 87 લેવલ તોડી 87.11 સુધી ઘટ્યો હતો, જે અત્યાર સુધીનો સૌથી નીચો ભાવ છે. ડોલર સામે રૂપિયાનો અગાઉનો બંધ ભાવ 86.61 હતો. ડોલર ઇન્ડેક્સ 108.37 સામે આજે વધીને 109.82 લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાથી રોકાણકારોમાં ગભરાટનો માહોલ છે.