ગરિયાબંધમાં સુરક્ષા જવાનો-નક્સલીઓ વચ્ચે અથડામણ, 14 નક્સલીઓ ઠાર મરાયા

January 21, 2025

છત્તીસગઢના ગારિયાબંધમાં છેલ્લા 36 કલાકથી નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 14 નક્સલીઓના મોતની માહિતી સામે આવી છે. આ ઉપરાંત મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગઈકાલે સવારથી કુલ્હાડીઘાટના ભાલુદીઘી પહાડીઓ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

ગઈકાલે એન્કાઉન્ટર પછી હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન બે નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાંથી એક મહિલા છે. આજે સવારે, સૈનિકોએ 12 નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા. ઘટનાસ્થળેથી ઘણા ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે. સૈનિકોની શોધખોળની કામગીરી ચાલુ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા નક્સલીઓમાં ઓડિશા રાજ્ય નક્સલીઓના વડા જયરામ ઉર્ફે ચલપતિનો પણ સમાવેશ થાય છે, જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું. આ એન્કાઉન્ટરમાં સીસીએમ મનોજ અને ગુડ્ડુ માર્યા ગયાના પણ સમાચાર છે.