જયપુરમાં મોટી દુર્ઘટના, સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ભીષણ આગ, 8 દર્દીઓના દાઝી જતાં મોત

October 06, 2025

સોમવારે વહેલી સવારે રાજસ્થાનના જયપુરમાં સવાઈ માન સિંહ (SMS) હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) વોર્ડમાં ભીષણ આગ લાગવાથી 8 દર્દીઓના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મૃતકોમાં 3 મહિલાઓ અને 5 પુરુષોનો સમાવેશ થાય છે.

SMS હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ડૉ. અનુરાગ ધાકડે જણાવ્યું હતું કે ટ્રોમા ICUમાં શોર્ટ સર્કિટ થયો હતો, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને ઝેરી ધુમાડો નીકળ્યો હતો. ડૉ. ધાકડે જણાવ્યું હતું કે ટ્રોમા ICUમાં 11 દર્દીઓ હતા, જ્યાં આગ લાગી અને ફેલાઈ ગઈ.

ડૉ. અનુરાગ ધાકડે જણાવ્યું કે ટ્રોમા સેન્ટરમાં બીજા માળે બે ICU છે : એક ટ્રોમા ICU અને એક સેમી-ICU. હોસ્પિટલમાં ઘટના સમયે 24 દર્દીઓ દાખલ હતા, જેમાં 11 ટ્રોમા ICUમાં અને 13 સેમી-ICUમાં દાખલ હતા. ટ્રોમા ICUમાં શોર્ટ સર્કિટ થયું હતું અને આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી, જેનાથી ઝેરી ગેસ લીક થયો હતો."

હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગના ગંભીર દર્દીઓ બેભાન થઈ ગયા હતા. અમારી ટ્રોમા સેન્ટર ટીમ, અમારા નર્સિંગ અધિકારીઓ અને વોર્ડ બોય્સે તાત્કાલિક તેમને ટ્રોલીમાં લોડ કર્યા અને ICUમાંથી બહાર કાઢ્યા. તેમને અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. છ દર્દીઓની હાલત ગંભીર હતી. અમે CPR દ્વારા તેમને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.