ગાઝામાં ભયાનક હુમલો, 130 સ્થળોને ટાર્ગેટ કરાયા, 33ના મોત

July 06, 2025

ગાઝા : ઈઝરાયલે ફરી ગાઝા પર ભયાનક હુમલો કર્યો છે. ઈઝરાયેલી સેના ગાઝામાં 130 સ્થળોને નિશાન બનાવ્યા છે, જેમાં 33 લોકોના મોત થયા છે. આ ઘટના એવા સમયે બની છે, જ્યારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ યુદ્ધવિરામની સંભાવનાઓની ચર્ચા કરવા માટે અમેરિકાના જવાના છે. અહીં તેઓ વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાર્તા કરવાના છે.


અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં યુદ્ધવિરામ કરાવવા માટે પ્રાથમિક પ્લાન રજૂ કર્યો છે. યોજનામાં 60 દિવસનું યુદ્ધવિરામ કરવાનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત માનવીય સહાયતા વધારવાનો અને હમાસે બંદી બનાવેલા ઈઝરાયલના લોકોને છોડી મૂકવાનો પણ પ્રસ્તાવમાં ઉલ્લેખ કરાયો છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 21 મહિનાથી ભયાનક ચાલી રહ્યું છે. સૌથી ભયાવહ પરિસ્થિતિનો સામનો કરી રહેલા ગાઝામાં માનવ સંકટ સર્જાયું છે, અહીં અનેક લોકો વિસ્થાપિત થઈ ગયા છે, તો અનેક લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે, તેથી આ સંકટ ટાળવા યુદ્ધવિરામ માટે વાતચીત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.


ગાઝા શહેરના મુખ્ય તબીબી કેન્દ્ર અલ શિફા હોસ્પિટલ (Al-Shifa Hospital)ના નિદેશક મોહમ્મદ અબૂ સેલમિયાના જણાવ્યા મુજબ, ‘ઈઝરાયેલી સેનાએ ગાઝામાં બે રહેણાંક બિલ્ડિંગનો નિશાન બનાવી છે, જેમાં 20 લોકોના મોત અને 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે.’ બીજીતરફ દક્ષિણ ગાઝાના ખાન યુનિસ વિસ્તાર સ્થિત નાસિર હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે, ‘ઈઝરાયલના મિસાઈલ હુમલામાં 13 પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. અનેક વિસ્થાપિત લોકો મુસાવી વિસ્તારમાં તંબુઓમાં રહી રહ્યા છે, જ્યાં ઈઝરાયલની સેનાએ હુમલો કર્યો છે.