શેફાલીના નિધન બાદ એન્ટી એજિંગ દવાઓ પર પ્રતિબંધની માગ

July 06, 2025

અભિનેત્રી શેફાલી જરીવાલાના અકાળ મૃત્યુ પછી, નિષ્ણાતોએ કોસ્મેટિક પ્રક્રિયાઓની અસરો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે એન્ટી એજિંગ દવાઓ ગંભીર સ્વાસ્થ્ય જોખમો પેદા કરી શકે છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે.


પ્રાપ્ત માહિતી પ્રમાણે શેફાલીએ લગભગ 8 વર્ષ સુધી ત્વચાને સફેદ કરવા અને એન્ટી એજિંગ સારવાર, ખાસ કરીને ગ્લુટાથિઓન અને વિટામિન સીનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે, પરંતુ આ બધું સક્રિય તબીબી દેખરેખ વિના થયું. કેરળ રાજ્ય IMAના સંશોધન સેલના સંયોજક રાજીવ જયદેવને કહ્યું કે, એન્ટી એજિંગ  કોઈ વૈજ્ઞાનિક શબ્દ નથી. વધતી ઉંમરને કોઈ દવા ન રોકી શકે. જોકે કેટલીક દવાઓથી ત્વચાને ગોરી કરવી શક્ય છે, પરંતુ તે એન્ટી એજિંગ જેવું નથી.


AIIMSના પૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, એન્ટી એજિંગ  દવાઓ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. ઘણા ઉત્પાદનો કોઈપણ યોગ્ય વૈજ્ઞાનિક અભ્યાસ વિના અસરકારક હોવાનો દાવો કરે છે, અને આમાંથી કેટલાક ઉત્પાદનો હાનિકારક સાઈડ ઈફેક્ટ પણ કરી શકે છે, ખાસ કરીને જો તેને લાંબા સમય સુધી લેવામાં આવે તો.


નિષ્ણાતોએ ઓસ્ટ્રેલિયા અને ફિલિપાઈન્સથી પ્રાપ્ત અહેવાલોનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં આવા ઉત્પાદનોની ગંભીર આડઅસરો વિશે જણાવવામાં આવ્યું છે. ગુલેરિયાએ કહ્યું કે, આવી દવાઓને નિયંત્રિત કરવાની જરૂર છે. જો તેમની સલામતી અથવા ઉપયોગીતા વિશે કોઈ યોગ્ય પુરાવા નથી અને તે હાનિકારક હોવાનું જણાય છે, તો તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ બાબત અન્ય દવાઓ, જેમ કે સ્નાયુ મજબૂત કરતી દવાઓ પર પણ લાગુ પડે છે જેનો ઘણીવાર દુરુપયોગ કરવામાં આવે છે.