PM મોદીએ ગળે લગાવીને કર્યું મિત્ર પુતિનનું સ્વાગત, એક જ કારમાં વડાપ્રધાન આવાસ પહોંચ્યા

December 05, 2025

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આજથી બે દિવસની ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓ આજે(4 ડિસેમ્બર) સાંજે લગભગ 6:45 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર તેમનું વિમાન લેન્ડ થયું હતું. અહીં વડાપ્રધાન મોદીએ ગળે લગાવીને મિત્ર પુતિનનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રશિયાના રાષ્ટ્રપ્રમુખનું ગાર્ડ ઑફ ઓનરથી સ્વાગત કરાયું. ત્યારબાદ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ પુતિન એક સાથે એક જ કારમાં પીએમ આવાસ પહોંચ્યા હતા. જ્યાં પુતિન માટે પ્રાઇવેટ ડિનરનું આયોજન કરાયું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ પુતિનને ભગવદ ગીતા ભેટ કરી હતી. જણાવી દઈએ કે, રશિયા-યુક્રેન યુદ્ધ શરુ થયા પછી આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. તેઓ આવતીકાલે (5 ડિસેમ્બર) દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 23માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. હાલ પુતિનની સુરક્ષાને લઈને દિલ્હીમાં સુરક્ષા હાઇ ઍલર્ટ પર છે.

પુતિનના આગમન બાદ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કેટલીક તસવીરો શેર કરીને લખ્યું છે કે, 'મને મારા મિત્ર પ્રમુખ પુતિનનું દિલ્હીમાં સ્વાગત કરવાની ખુશી છે. હું આજે સાંજે અને આવતીકાલે પુતિન સાથેની મુલાકાતોની રાહ જોઈ રહ્યો છું. ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે, તેનાથી આપણા લોકોને અપાર લાભ થયો છે.'

રશિયાના પ્રમુખ પુતિનનું વિમાન મોસ્કોથી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રમુખ પુતિનનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને નેતા એક જ કારમાં વડાપ્રધાનના આવાસ પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન દિલ્હીમાં પીએમ આવાસ 7 LKM ખાતે પહોંચ્યા હતા. જ્યાં બંને નેતાઓના પ્રાઇવેટ ડિનર અને મુલાકાતનું આયોજન કરાયું છે.