25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સપોર્ટેશન ઠપ... અમેરિકામાં બરફના તોફાનની તબાહી

January 27, 2026

અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ બરફના તોફાને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે હિમ વર્ષા અને કોલ્ડ વેવને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધી 25 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે લાખો લોકો કડકડતી ઠંડીમાં વીજળી વગર અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. અમેરિકાના મેઈન (Maine) રાજ્યના બાંગોર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અકસ્માત સર્જાયો હતો. ભારે બરફના તોફાન અને ઓછી વિઝિબિલિટીને કારણે એક ખાનગી બિઝનેસ જેટ ક્રેશ થયું હતું, જેમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. આ દુર્ઘટના બાદ બાંગોર એરપોર્ટને સુરક્ષાના કારણોસર અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, ટેનેસી, મિસિસિપી અને લુઇસિયાના બરફવર્ષાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. ટેક્સાસ, કેન્ટુકી, જ્યોર્જિયા, વેસ્ટ વર્જિનિયા અને અલાબામા ખાસ કરીને પ્રભાવિત થયા છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટઅવેર અનુસાર, રવિવારે નિર્ધારિત 10,800 થી વધુ યુએસ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. શનિવારે પણ 4,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા 17 રાજ્યો અને વોશિંગ્ટન, ડી.સી. માં હવામાન કટોકટી (Weather Emergency) જાહેર કરવામાં આવી છે. ટેનેસી, મિસિસિપી અને લુઇસિયાના આ તોફાનથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ ઉપરાંત ટેક્સાસ, કેન્ટુકી, જ્યોર્જિયા અને અલાબામામાં પણ પરિસ્થિતિ ચિંતાજનક છે.